બોટાદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
13 મેના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા. 13મેના રોજ સવારે 10 કલાકથી “રાષ્ટ્રીય લોક અદાલત”નું આયોજન કરવામાં આવનાર છે.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાય)ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક મનાઈ હુકમ, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો તા. 13 મેના રોજની નેશનલ લોક અદાલતમાં નિકાલ સારું હાથ ધરવામાં આવતાં ઇચ્છુક વ્યક્તિઓ-પક્ષકારોએ તા.13મે ના રોજ સવારે 10 કલાકે જિલ્લા ન્યાયાલય, બોટાદ ખાતે તથા તાબાની તમામ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે. વધુમાં પોતાના કેસનો લોક અદાલતમાં નિકાલ કરવા ઇચ્છતી વ્યક્તિએ જે-તે અદાલતમાં તથા ડી.એલ.એસ.એ. કચેરી બોટાદનાં રૂમ નં-126 ખાતે તા. 13મે પૂર્વે ઓફિસ સમય દરમિયાન મેળવી શકે છે તેમ જણાવાયું છે.
ખેડૂતોને હાઈબ્રિડ બિયારણની કીટ અપાશે
બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામૂલ્યે હાઇબ્રિડ શાકભાજીની કીટ આપવામાં આવશે. ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા જરૂરી સાધનીક કાગળ પુરાવા સાથે અરજી નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે બોટાદ જિલ્લા બાગાયત કચેરી દ્વારા અનુસૂચિત જાતીના ખેડૂત ખાતેદારો કે જેઓ શાકભાજીની ખેતી કરતા હોય છે. તેમના માટે વર્ષ 2023-24 માટે વિનામૂલ્યે શાકભાજીની હાઇબ્રિડ બીયારણ કિટ્સ આપવાની યોજના અમલમાં છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતાં બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે 7/12, 8-અ, આધારકાર્ડની નકલ તથા અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ સાથે લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી સમય મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/12, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.