રાજકોટ7 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે આજે ચુનારાવાડ ચોક નજીક 14 દુકાનદારોને ત્યાં ચેકીંગ કરીને 27 કિલો અખાદ્ય વસ્તુઓ જેવી કે, ફરસાણ, મીઠાઇ અને જયુસનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિષ્ના સીંગ એન્ડ બિસ્કીટમાંથી 15 કિલો વાસી ફરસાણ મળતા તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત મહાદેવ ડેરી ફાર્મમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ 10 કિલો મીઠાઇ અને પેપ્સી, જ્યૂસ, ગાત્રાળ ડેરી ફાર્મમાંથી એક કિલો વાસી મીઠાઇ, ઝમઝમ બોમ્બે ભઠિયારામાંથી એક કિલો વાસી અખાદ્ય ચીજ મળી 27 કિલો ફૂડનો નાશ કરી ત્રણે વેપારીને નોટીસ આપવામાં આવી હતી.
ડ્રીંકીંગ વોટરના સેમ્પલ લેવાયા
આ ઉપરાંત ગત સપ્તાહે ભેળસેળયુકત પનીરનો મોટો જથ્થો પકડાયા બાદ પનીરના નમુના લઇ પરીક્ષણ કરવાની કામગીરી યથાવત છે. જેમાં કોઠારીયા રોડ 80 ફુટના રોડ પર સોરઠીયાવાડી 6/8ના ખુણે આવેલ અજેન્દ્ર ડેરી ફાર્મ, લાતી પ્લોટ 4માં ફોર્ચ્યુન મિલ્ક, 150 ફુટ રોડ પર રૈયા એકસચેંજ પાછળની સોમનાથ સોસા. ખાતે શ્રીરામ ડેરીમાંથી પનીરના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અને અજેન્દ્ર ડેરીમાંથી બરફી, અટીકા પાસે આહિર ચોકમાં કૈલાસપતિ સોસાયટી પાસે આવેલ વીવ બોટલીંગમાંથી બોન્ટા મીનરલ વોટર અને સત્યપ્રકાશ વિદ્યાપીઠ સામે રાધે ક્રિષ્ના સોસાયટીમાં કવિ કલાપી સેન્ટરમાં આવેલ વિરાટ એન્ટરપ્રાઇઝમાંથી દાવત ડ્રીંકીંગ વોટરના સેમ્પલને પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
વેરા વિભાગે વધુ 30 મિલ્કતો સીલ કરી રૂ. 1.44 કરોડ વસુલ્યા
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત આજે વધુ 30 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. અને 10 મિલકતોને જપ્તીની નોટિસ આપી રૂ. 1.44 કરોડનાં બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.3ના મોચી બજારમાં 4, વોર્ડ નં.7ના યાજ્ઞિક રોડ પર ગાયત્રી કોમ્પ્લેક્ષમાં એક ઓફિસ, વોર્ડ નં.17ના 80 ફુટ રોડ પર બે, વોર્ડ નં.18ના કોઠારીયા રોડ અને વિનાયકનગરમાં પણ 3 મિલ્કત સીલ કરવામાં આવી હતી. તો વોર્ડ નં.17ના કોઠારીયા રોડ પર સરસ્વતી શિક્ષણ સંકુલને નોટીસ આપતા તરત રૂા. 62 હજારનો ચેક આવ્યો હતો. તો વોર્ડ નં.12 અને 13ના ગોંડલ રોડ, મારૂતી કોમ્પ્લેક્ષની સાથે જ વોર્ડ નં.15ના મફતીયાપરામાં નળ કનેકશન કાપતા રૂા. 98 હજારનો વેરો આવ્યો હતો.
9 કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું
મનપાની વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલિશન, 32 વેપારીઓ દંડાયા રાજકોટ કોર્પોરેશનની વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સામાકાંઠે વોર્ડ નં.6 અને 15માં સામેલ ચુનારાવાડ ચોકથી નેશનલ હાઇવે સુધીના રસ્તા ઉપર ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેમાં 15 દુકાનો બહારથી ઓટલા, છાપરાના દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં ટીપી તંત્રએ ઇસ્ટ ઝોનના આ રોડ પર કાર્યવાહી કરી હતી. કુલ 15 જગ્યા બહાર માર્જીન સ્પેસમાં કરવામાં આવેલા પતરાના દબાણો તોડીને કુલ 1050 ચો.ફુટ જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરવામાં આવી હતી. ઉપરાંત રોડ પર જાહેરમાં કચરો – ગંદકી ફેલાવવા બદલ 8 આસામીને રૂા.2750નો દંડ કરાયો હતો. તો 23 વેપારીને ઝબલાના ઉપયોગ બદલ 13 હજારનો દંડ કરી 9 કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું હતું. આમ કુલ 32 વેપારી પાસેથી રૂા.16 હજારનો દંડ વસુલ કરાયો હતો.