ગાંધીનગર25 મિનિટ પહેલા
- કૉપી લિંક
કલોલ છત્રાલ હાઇવે રોડ પર ઈકો કારમાં પંક્ચર પડતાં લગ્નની મજા માણીને ઘરે પરત ફરી રહેલો પરિવાર કારમાં જ નિંદ્રામાં પોઢી ગયો હતો. જેનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો 12 હજાર રોકડા, સોનાના દાગીના, મોબાઈલ ફોન મળીને રૂ. 1.58 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. જે અગેની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડેરી ગામના મહેંદ્રસિંહ જયસિંહજી દીયા તેમના કુટુંબી ભાઇ પરબતસિંહના દીકરા કાનસિંહના લગ્નની જાનમાં જવા માટે ગત તા. 8 મી મેનાં રોજ સવારે ગામના નરપતસિંહની ઈકો ગાડીમાં ઉમરેઠ જવા નિકળ્યા હતા. એ વખતે તેમની સાથે કુટુંબી ભાઇ હકસિંહ રતનસિંહની દિકરી ઉષાબા, રેખાબા તથા ફિલાબા તેમજ પરબતસિંહ હેમસિંહ દિયા પણ સાથે હતા અને રાતના બારેક વાગ્યાના અરસામાં ઉમરેઠ ગામે પહોંચ્યા હતા. જ્યાં લગ્નની વિધી પતાવી રાત્રીના નવેક વાગ્યાની આસપાસ ઉમરેઠથી પરત ઘરે જવા બધા ઈકો ગાડીમાં બેસીને રવાના થયા હતા. અને રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ કલોલ થી છત્રાલ હાઇવે પરથી પસાર થતાં ઈકો ગાડીમાં પંક્ચર પડયું હતું. આથી ગાડીને હાઇવે પર સાઈડમાં ઉભી રાખવાની ફરજ પડી હતી.
આ દરમિયાન ઉષાબાએ પહેરેલ ટીકો, ડોકિયું કાઢીને પર્સમાં મૂકી દીધું હતું. બાદમાં ગાડીનો ડ્રાઈવર પંક્ચર કરવા માટે ટાયર લઈને ગયો હતો. આ અરસામાં ઈકો ગાડીમાં સવાર બધા લોકોને ઊંઘ આવી જતાં બધા નિંદ્રામાં પોઢી ગયા હતા.
જેનાં અડધો કલાક પછી આગળની સીટમાં બેસેલ ઉષાબા જાગી ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, 12 હજાર રોકડા,સોનાનો ટીકો આશરે અડધા તોલાનો, ડોકીયુ આશરે બે તોલાનુ તેમજ મોબાઈલ રાખેલ પર્સ સીટ કવરમાંથી ચોરાઈ ગયું છે. જેથી કરીને બધા સફાળા જાગી ઉઠયા હતા અને આસપાસમાં તપાસ કરી હતી. તેમજ ઉષાબાનાં મોબાઇલ પર પણ ઘણા ફોન કર્યા હતા. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો.
જો કે કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી બધા લોકો ઈકો ગાડીમાં પરત ઘરે જતા રહ્યા હતા. આ અંગે મહેંદ્રસિંહ દિયાએ ઉષાબા વતી ફરિયાદ આપતા કલોલ તાલુકા પોલીસે 1 લાખ 58 હજાર 500 ની મત્તા ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.