જૂનાગઢ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અગાઉ આપેલી 2 ગાડીના કિલોમીટર પૂરા થતા જમા કરાવી
- ભંગાર કક્ષાની ગાડીના કારણે મરેલા પશુનાં નિકાલની કામગીરીમાં વિક્ષેપ
જૂનાગઢ મહાનગરપાલિકામાં મરેલા પશુના નિકાલ માટને બન્ને ગાડીઓ કંડમ સ્થિતીમાં હોય મરેલા પશુના નિકાલની કામગીરીમાં ભારે વિક્ષેપ પડી રહ્યો છે. ત્યારે નવી ગાડીઓ અપાવવાની તાતી જરૂરિયાત હોવાનું વિપક્ષી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ માંગ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં દરરોજના 100થી વધુ મૃત પશુનો નિકાલ કરવાની કામગીરી થતી હતી. હવે ઉનાળામાં દરરોજના 25થી વધુ વિવિધ પશુના મોત થાય છે જેના નિકાલની કામગરી સેનીટેશન શાખા દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, ગાડીની કન્ડિશન સારી ન હોય કામગીરીમાં ભારે વિક્ષેપ થઇ રહ્યો છે. અગાઉ બે ગાડી હતી જેના કિમી પૂરા થતા વાહન શાખામાં જમા કરાવાઇ છે. ત્યાર બાદ 2 ગાડી ફાળવાઇ છે તે પણ નવી નથી, પરંતુ ડોર ટુ ડોરમાં વપરાતી ગાડીમાંથી 2 ગાડી અપાઇ છે.
આ ગાડી અત્યંત ભંગાર કક્ષાની હોય વારંવાર બંધ પડી જાય છે. પરિણામે કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓ વર્ધી માટે જતા હોય ત્યારે ગાડી રસ્તામાં કોઇની દુકાન સામે બંધ પડી જાય તો દુકાન વાળા ગાડી હટાવવા માથાકૂટ કરે છે. બીજી તરફ મરેલા પશુ ઉપાડવાની ફરિયાદ કરનાર પાસે સમયસર ગાડી ન પહોંચતા તે પણ કર્મચારીઓને દબડાવે છે. ગાડી ખરાબ બહાનું બતાવતા હોવાનું માની લોકો ફોન કરે એટલે અધિકારી, કોર્પોરેટરો ફોન કરી કર્મચારી પર દબાણ કરાવે છે.
મોટાભાગે આ ગાડી રિપેરીંગમાં જ રહે છે. આમ, વાહનોના અભાવે કામગીરી ન થતા ફરિયાદોનો ઢગલો થાય છે અને કર્મચારીઓને કામનું ભારણ વઘે છે. ત્યારે મૃત પશુના નિકાલ જેવી આવશ્યક સેવા માટે તુરત નવા વાહનો ફાળવવાની તાતી જરૂરિયાત છે.
ખાસ તો અધિકારીઓ,પદાધિકારીઓના વાહન પાછળ વર્ષે લાખ્ખો રૂપિયાના ડિઝલ-પેટ્રોલનો ધૂમાડો કરવાના પૈસા છે, પરંતુ મરેલા પશુના નિકાલ માટે નવા વાહનો ખરીદવાના પૈસા નથી શું? નવી ગાડી આવી જાય તેટલો ખર્ચ તો મનપા માત્ર અધિકારી, પદાધિકારીઓની ગાડીના પેટ્રોલ-ડિઝલ પાછળ ખર્ચાય છે. તેમાં કાપ મૂકી આ આવશ્યક સેવા માટે સત્વરે નાણાં ફાળવી નવી ગાડી વસાવે તે સમયની માંગ છે.
દરખાસ્ત તૈયાર કરાય છે
નવા વાહનો ખરીદવા માટે દરખાસ્ત તૈયાર થઇ રહી છે. ટૂંક સમયમાં કામગીરી કરાશે. જ્યારે વાહનો સાવ કંડક સ્થિતીમાં નથી. પરંતુ આડેધડ રીતે, ગમે તે વ્યક્તિ વાહન ચલાવે તેમાં વાહનની કન્ડિશન ખરાબ થાય છે. કોઇ ફિક્સ વ્યક્તિના હાથમાં વાહન રહે તો સ્થિતી સારી રહી શકે. > અલ્પેશ ચાવડા, વાહન વ્યવહાર અધિકારી.