34 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 8 જાન્યુઆરી 2023ના રોજ વર્ગ 1-2ની અધિકારી લેવલની તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના કુલ 102 પદો પર ભરતી પ્રક્રિયા માટેની પ્રિલીમ પરીક્ષા લેવામાં આવી હતી. જેની પ્રોવિઝનલ આન્સર કી જીપીએસસીએ 11 જાન્યુઆરીના રોજ બહાર પાડી હતી. જ્યારે 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પાડી હતી.
પરીક્ષાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ
આ બંને આન્સર કીમાં વિસંગતતાના કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ ગઈકાલે હરિકૃષ્ણ બારોટ દ્વારા દાખલ થઈ હતી. નેગેટીવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની પણ ફરિયાદ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ફાઇનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો કોર્ટમાં દાવો કરાયો હતો.
માર્કસની વિગત કોર્ટ સમક્ષ મુકાઈ
ત્યારે આજે કોર્ટ સમક્ષ 41 જેટલા બીજા ઉમેદવારોની આ જ મુદ્દે અરજી આવી હતી. જેમાં તેમના વકીલ વૈભવ વ્યાસ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી, કટ ઓફ માર્ક્સ અને અરજદાર ઉમેદવારોએ મેળવેલ માર્કસની વિગત કોર્ટ સમક્ષ મુકાઈ હતી.
બધા જ જવાબ સાચા હોય તેવું કેવી રીતે બને?
અરજદારો દ્વારા 07 જેટલા પ્રશ્નોના જવાબને ચેલેન્જ કરવામાં આવ્યા હતા. પરંતુ જસ્ટિસ જે.સી.દોશીએ કહ્યું હતું કે, ચેલેન્જ કરેલા બધા જ પ્રશ્નોના જવાબ ઉમેદવાર તરફી સાચા હોય તેવું કેવી રીતે બને? સંભાવનાના નિયમ મુજબ ઉમેદવારોના અડધા પ્રશ્નોના જવાબ સાચા હોય તો પણ કોર્ટ 2 કે 3 માર્ક ખૂટતા હોય તેને જ મુખ્ય પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી શકે. 7થી 8 પ્રશ્નોના જવાબ સાચા જ હોય તેવો દાવો તો ભગવાન પણ ન કરે. પરીક્ષાર્થી જ જવાબ કેવી રીતે નક્કી કરી શકે?
ત્રણ હજારથી વધુ પરીક્ષાર્થીઓએ લેખિત પરીક્ષા આપી
આ પરીક્ષાના ગત મહિને જાહેર કરેલા પરિણામમાં 3,806 પરીક્ષાર્થીઓને લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર કરાયા હતા. પ્રિલીમ પરીક્ષાના પેપર 1માં બે પ્રશ્નો કેન્સલ કરાયા હતા. જ્યારે પેપર 2માં ચાર પ્રશ્નો કેન્સલ કરાયા હતા. જેના સરખા ગુણ પરીક્ષાર્થીઓને વહેંચવામાં આવ્યા હતા.