નર્મદા (રાજપીપળા)31 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લામાં ટ્રક અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બે દિવસ પહેલા જ બોરીદ્રા ગામ પાસે એક ટ્રક ભેખડ સાથે અથડાતા ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે હાલમાં જીતગઢ ગામ નજીક ટ્રક ઊંડી ખાઈમાં પડતા ચાલકનું મોત થયું હતું, જ્યારે કન્ડક્ટરને ઇજા થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છાણીયાભાઈ કાળીયાભાઈ વસાવા, રહે.જુનારાજ ઢોકામા ફળિયુ તા.નાદોદએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ટ્રકમાં બેસીને જતા હતા. તે સમયે જીતગઢથી જુનારાજ તરફ ઢાળમાં અચાનક ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેઓ ચાલુ ટ્રકમાં કુદતા ઇજા થઇ છે. જ્યારે ટ્રક ઉંડી ખીણમાં પડતા ચાલક અબ્બાસખાન અકબરખાન ખોખર રહે.દોલત બજાર, રાજપીપળાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હોય રાજપીપળા પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી ઘટનામાં નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ગરનાળામાં પડી,પલ્ટી મારતા બે ને ઇજા થઈ હતી.
જેમાં મળતી વિગતો મુજબ રાહુલભાઈ જગાભાઈ મોરી રહે.રબારી નેસડો, કાનીયાડ તા.જી.બોટાદએ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ પોતાની ટ્રકમાં છોટાઉદેપુર જિલ્લાના હાડોદ ગામે આવેલી કપાસની જીનમાંથી કપાસીયા ભરીને નવસારી ગામે આવેલ શક્તિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં જતા હતા. તે દરમ્યાન ચાલુ ટ્રકે કંડક્ટર સાઇડનું આગળનું વ્હીલ આકસ્મિક રીતે ફાટતા ટ્રક રોડની બાજુમા ગરનાળામાં પડતા પલ્ટી મારી જતા ટ્રકમાં સવાર રાહુલભાઈ જગાભાઈ મોરી તથા ભોલાભાઈ લગધીરભાઈ મકવાણાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અકસ્માતમાં બંને શખ્સોને ઈજાઓ થઈ હતી.