હિંમતનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- ગણતરી દરમિયાન ચારથી વધુ જગ્યાએ દીપડો દેખાયો, ગત વર્ષે 26 દીપડા હોવાનો અંદાજ મૂકાયો હતો
સાબરકાંઠા જિલ્લા વનવિભાગ દ્વારા તા. 6 થી 7 દરમિયાન વન્ય પ્રાણીઓની સંખ્યાનો અંદાજ કાઢવા હાથ ધરાયેલ કવાયત દરમ્યાન દીપડાની સંખ્યામાં 20 ટકાનો વધારો થયાના અંદાજ સાથે ગણતરી પૂર્ણ કરાઈ છે જેમાં કેટલીક જગ્યાએ દીપડાની હાજરી ડ્રોન કેમેરામાં પણ કેદ થઈ છે.
વનવિભાગ દ્વારા પ્રાણીઓની ગણતરી માટે પગલાની નિશાની,અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓ જેવી બાબતોને મહત્વ અપાય છે. આ બધી બાબતોનો રિપોર્ટ મોકલી આપ્યા બાદ ગીર ફાઉન્ડેશનની ટીમ ચકાસણીને અંતે જૂન માસમાં અંતિમ અંદાજ જાહેર કરશે.
વર્ષ 2016માં હાથ ધરાયેલ ગણતરીમાં 18 રીંછ, 10 દીપડા સહિત અન્ય 385 વન્ય પ્રાણીઓ નોંધાયા હતા તો ગત વર્ષે રીંછની ગણતરી હાથ ધરાઇ હતી. તે વખતે ગણતરીમાં 30 રીંછ,26 દીપડા સહિત 714 વન્ય પ્રાણીઓ નોંધાયા હતા.
આ રીતે થાય છે ગણતરી |ફૂટ સ્ટેપ માટે પીઓપીની મદદ લેવાય છે
વનવિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર વન્ય પ્રાણીઓની સંખ્યાનો અંદાજ મૂકવા માટે ઘણી બધો બાબતોનો ડેટા એકત્ર કરાય છે. જ્યા માંસાહારી પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે તેવા પીવાના પાણીના સ્ત્રોત ચિહ્નિત કરી માંચડા લગાવી તથા અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાંની નિશાની,અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની વિગતો નોંધાય છે. ફૂટ સ્ટેપ માટે પીઓપીની મદદ લેવાય છે જેથી એકનો એક દીપડો એક થી વધુ વખતની ગણતરીમાં ન આવી જાય અને તેના પરથી નર માદા પણ નક્કી કરાય છે.
આના માટે જંગલ વિસ્તારોમાં 123 થી વધુ પોઈન્ટ ફાળવણી કરાઇ હતી. જેમાં 123 ફોરેસ્ટ કર્મચારી અધિકારીઓ સહિત કર્મચારીઓ અને 120 થી વધુ રોજમદારો દ્વારા અલગ અલગ પોઈન્ટ પર તા. 5 મે રાતથી 6 મે વહેલી સવાર સુધી પ્રાથમિક ગણતરી બાદ 6 મે રાત થી 7 મે સાંજે 5 વાગ્યા સુધીમાં અંતિમ ડેટા એકત્ર કરાયો હતો અને દીપડાની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.
8 મે ના રોજ તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરાશે. સ્થાનિક અધિકારીઓ દ્વારા અલગ અલગ પોઈન્ટની વિગતો ચકાસી મુખ્ય કચેરીએ અહેવાલ મોકલ્યા બાદ ગીર ફાઉન્ડેશનની ટીમ ચકાસણીને અંતે જૂન માસમાં અંતિમ દીપડાની સંખ્યાનો અંદાજ જાહેર કરશે.આ ઉપરાંત વન વિભાગના સૂત્રો મુજબ રાત્રિ દરમિયાન 4 જેટલા દીપડા દેખાયા છે.