6 કલાક પહેલા
- કૉપી લિંક
ભારતમાં 2 હજાર રૂપિયાની ચલણી નોટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તે 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત ગુજરાતના નાના-મોટા શહેરો લોકોના પ્રતિભાવો જાણ્યા હતા. જેમાં કેટલાક સિનિયર સિટિઝન્સે પોતાના મત આપ્યા હતા. રાજકોટના એક સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે, આવી રીતે નોટ બંધ કરાતા બેંકોમાં લાઈનો લાગશે. જ્યારે વડોદરામાં એક સિટિઝને કહ્યું હતું કે, નોટબંધ કરવાનો નિર્ણય યોગ્ય છે અને બ્લેક મની દબાવી બેઠાં છે તેમને પ્રોબ્લેમ થશે. અમદાવાદમાં નિર્ણયને વધાવાયો છે પરંતુ સરકાર દ્વારા આ સમયગાળો વધારવો જોઈએ એવી માગ ઉઠી છે. કેમ કે આ સમયગાળો ખૂબ જ ઓછો છે.ત્યારે અમદાવાદના જુહાપુરામાં એક બીઓબીના એટીએમ પર ચલણી નોટો જમા કરાવવા લાઈનો લાગી હતી. જોકે, અમદાવાદ શહેરના અન્ય વિસ્તારો કે રાજ્યના બીજા શહેરોમાં ક્યાંય આવી સ્થિતિ જોવા મળી નથી.
નિર્ણયને વધાવીને અમલ શરૂ કર્યો
ચાંદખેડા વિસ્તારમાં કમલેશ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા રાહુલભાઈએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની નોટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેને અમે આવકારીએ છીએ. 2000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લેતા અમે આજથી અને અત્યારથી જે પણ ગ્રાહક જ્વેલર્સમાં ખરીદી કરવા આવશે. તેની પાસેથી 2000ની નોટ લેવાનું બંધ કરી દીધું છે. અમારા દરેક સ્ટાફને પણ સૂચના આપી દીધી છે કે હવેથી જે પણ ગ્રાહક આવે અને જો 2000 રૂપિયાની નોટ હોય તો તેઓને પ્રેમથી ના પાડી દેવાની કે હવે 2000 રૂપિયાની નોટ નહીં લેવામાં આવે, તમારે ઓનલાઇન અથવા તો 100,200 અથવા 500ની નોટથી જ ચૂકવણી કરવી પડશે. તેથી હવે કોઈપણ ગ્રાહકો પાસેથી અમે 2000ની નોટ નહીં લઈએ.
સરકારને આ નિર્ણયથી ફાયદો થશે
સુરતના મિલન વૈષ્ણવ નામના એક નોકરિયાતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલો અને ખૂબ જ સારો છે. જે કાળુ નાણું દબાવીને બેઠા હતા તે હવે બહાર આવશે. નાના છે ધંધાઓ છે અને નાના જે રોજગાર મેળવતા લોકો છે, તેમના માટે સારી વાત છે. ફરીથી આ નાના ધંધાઓને ઉભા થવાની શક્યતા રહેલી છે. સરકારને આ નિર્ણયથી ફાયદો થશે.
હાઉસવાઈફ ચિંતામાં, યુવાઓ બેફિકર
અમદાવાદની હાઉસવાઈફ નોટ બંધી વિશે માને છે કે અગાઉ પણ જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે દોડાદોડી થઈ ગઈ હતી. આ વખતે ફરી એક વખત અમારી સેવિંગમાં 2000ની નોટ છે એટલે ફરી લાઈનો ન લાગે તો સારું. તો યુવાનોનું કહેવું છે કે 2000ની નોટ બંધ થવાથી. અમને કહી બહુ ફરક પડશે નહીં. કારણ કે હાલના મોટાભાગના તમામ યુવાનો ઓનલાઈન ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરે છે.
કાળું નાણું હશે તેમને પ્રોબ્લેમ થશે!
વડોદરા શહેરના સિનિયર સિટિઝન નરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, મોદી સરકારે 2000ની નોટો પર નિર્ણય કર્યો છે, તે ખૂબ સારો નિર્ણય છે. જે લોકો બ્લેક મની દબાવીને બેઠાં છે એ લોકોને પ્રોબ્લેમ થશે અમને લોકોને કંઈ પ્રોબ્લેમ નહીં થાય.
અમદાવાદમાં ક્યાંક ક્યાંક લાઈન લાગી
એક લાખની લિમિટ કરો
અમદાવાદના રહેવાસી વિશાલ શાહે જણાવ્યું હતું કે રૂપિયા 2000ની નોટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે. પરંતુ સરકાર દ્વારા આ સમયગાળો વધારવો જોઈએ. કારણકે આ સમયગાળો ખૂબ જ ઓછો છે. રોજની જે 10 નોટો જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે તેને પણ વધારવી જોઈએ. દૈનિક એક લાખ રૂપિયા લોકો જમા કરાવી શકે તેટલી લિમિટ રાખવી જોઈએ. જેનાથી જે લોકો પાસે વધારે પૈસા હોય તે લોકો બેંકમાં જમા કરાવી શકે.
અફરાતફરી મચી જશે
રાજકોટના પ્રકાશભાઈ નામના એક સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે ,હજુ તો 7 વર્ષ જ થયા છે ત્યારે સરકારને એવું તો શું કારણ લાગ્યું કે, 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય લેવો પડ્યો. આ પહેલા પણ જ્યારે 500 અને 1000ની નોટ કાળું નાણું બહાર કાઢવાના હેતુથી બંધ કરી હતી, પણ કંઈ જ થયું નહી તો આ 2000ની નોટ ખેંચવા પાછળ સરકાર શું ઈચ્છે છે? તે લોકોને સમજાતું નથી. આ નિર્ણયના કારણે લોકોમાં અફરાતફરી મચી જશે. કાલથી જ બેંકમાં મોટી-મોટી લાઈનો લાગી જશે.
કારણ વગર નોટ બંધ કેમ કરી?
રાજકોટના ભરત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં પણ 500 અને 1000ની નોટ બંધ કરી હતી અને 2000ની નોટ લાવી હતી. હવે 2000ની નોટ બંધ કરવામાં આવી છે. સરકાર શું કરવા ઈચ્છે છે? કઈ સમજાતું નથી. બેન્કમાં લાંબા સમયથી જ આ નોટ જોવા મળી રહી નહોતી, જે બેન્કમાં જાય તે ફરી પાછી સર્કયુલેશનમાં આવતી નહોતી. કેટલો ખર્ચ કરીને આ નોટ બહાર પાડવામાં આવી હતી, ત્યારે કોઈ કારણ વગર જ આ નોટ બંધ કેમ કરી?
સુરતમાં કોઈ લાઈન જોવા મળી નહી
2000ની નોટ માટે લાંબો ટાઈમ આપ્યો
રાજકોટના દિલીપ આચાર્યે જણાવ્યું હતું કે, નોટ બંધ કરવા પાછળ કારણ તો ચોકકસપણે હોય જ. જો કે, પહેલાં જે પગલું લેવામાં આવ્યું હતું. તત્કાલ 500 અને 1000ની નોટ બંધ કરવાનું આ એવું નથી. આ 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં જ છે. આટલો લાંબો ટાઈમ છે અને સરકાર હજુ લિમિટ પણ આપશે.
નાણા સંઘરીને બેઠા એમને તકલીફ
વડોદરાના નરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ખૂબ જ સારો છે. આ નિર્ણયની સામાન્ય લોકો પર કોઈ જ અસર નહી થાય. જે લોકો કાળા નાણાં સંઘરીને બેઠા છે, એ લોકોને તકલીફ રહેશે.
વડોદરામાં પણ કોઈ લાઈન નહીં
આપણને ફરક નહીં પડે સરકારને ફાયદો થશે
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતા કિરણ આહિરેએ જણાવ્યું હતું કે, સરકારે 2000ની નોટ બંધ કરીને સારો નિર્ણય કર્યો છે. આપણા જેવા મિડલ ક્લાસ માણસો પાસે તો 2000ની નોટ શોધવા છતાં પણ મળતી નથી. જે લોકો પાસે બે નંબરની કરન્સી છે, તે લોકો માટે પ્રોબ્લેમ છે. આપણને કોઈ ફરક નહીં પડે પણ સરકારને ફાયદો જરૂર થશે.
23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં નોટ જમા કરાવી શકાશે
2016 બાદ ફરી દેશમાં એક ચલણી નોટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવા નિર્ણય લીધો હતો, પરંતુ તે લિગલ ટેન્ડર રહેશે. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.