એન્ટી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક મળી, 22માંથી 3 અરજીઓમાં પોલીસ ફરિયાદ દાખલ કરાશે એક અરજી પેન્ડિંગ | Anti-Landgrabbing Committee met, police complaint will be filed in 3 out of 22 applications, one application is pending | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને એન્ટી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 22 અરજીઓ પૈકી 3 અરજીઓમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા અને 1 અરજી પેન્ડિંગ રાખવા નિર્ણય લેવામાં આવેલ હતો. જે 3 અરજીમાં પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે તે તમામ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અરજી છે. આ બેઠકમાં રાજકોટ શહેર DCP ઝોન-1 સજનસિંહ પરમાર, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, ગ્રામ્ય પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ તેમજ તમામ પ્રાંત અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, અને ઇસ્ટ ઝોન કચેરી ખાતે કાયમી આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત્ત છે. આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને આગામી તા.29.05.2023 ને સોમવારના રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર હોવાથી એક દિવસ માટે આધાર કેન્દ્ર બંધ રાખવામાં આવશે. આ પછી તા.30.05.2023 ને મંગળવારથી આ આધારકેન્દ્રો ખાતે આધાર સેવા પુન: રાબેતા મુજબ શરૂ થઇ જશે.

રાજકોટના બે ન્યાયાધીશોની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બદલી કરવામાં આવી છે. રાજકોટના છઠ્ઠા એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ આર.આર.પટેલની અમદાવાદ રૂરલની સાણંદમાં પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકે બદલી કરાઈ છે. જયારે રાજકોટની 9માં એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ટી.જે.દેવડાની અમદાવાદ રૂરલ કોર્ટમાં ચોથા એડીશનલ સિનિયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકે બદલી કરાઈ છે.