ભાવનગર7 કલાક પહેલા
- કૉપી લિંક
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે મહુવા તાલુકામાં પેટ્રોલીંગ દરમ્યાન સુરત શહેરમાંથી બાઈકોની ચોરી કરી મહુવા તાલુકાના ઓથા ગામે લાવી લોકો ને આ ચોરી કરેલા બાઈકોને વેચતી ગેંગનો પર્દાફાશ કરી રૂપિયા 7.89 લાખની કિંમત ની 22 બાઈક કબ્જે કરી છે અને વાહન ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
ગામડાઓમાં ચોરી બાઈકનું વેચાણ કરતા હતા
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વાહન ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો હોય જે અંતર્ગત પોલીસને આવા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આદેશો કર્યાં હોય, જેમાં ભાવનગર એલસીબીની ટીમ મહુવા તાલુકાના ગામડાઓમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે મહુવા તાલુકાના ઓથાગામે વાડી વિસ્તારમાં રહેતો શખ્સ ગામડાઓમાં ચોરી બાઈકનું વેચાણ કરે છે.
શખ્સોએ બાઈક ચોરી કર્યાંની કબૂલાત આપી
જે હકીકત આધારે ટીમે બાતમી વાળી વાડીએ રેડ કરતાં વાડીમાંથી શૈલેષ ભૂપત ભાલીયા ઉ.વ.28 મળી આવેલ આ શખ્સના કબ્જા માથી અલગ અલગ કંપનીના 22 બાઈક મળી આવતા શખ્સ પાસે આ વાહનોના દસ્તાવેજ ચકાસણી માટે માંગતા શખ્સ સંતોષકારક જવાબ ન આપી શકતા તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ઓથા ગામનો અને હાલ સુરત રહેતો દિપેશ ઉર્ફે દિપક પરશોત્તમ શિયાળ આ બાઈકો વેચવા માટે આપી ગયેલ, જે અંગે વધુ તપાસ હાથ ધરતા આ બાઈકો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી થયાનું જણાતા પોલીસે આ બાઈક ચોરીમાં સંડોવાયેલા વધુ બે શખ્સો જેમાં વિક્રમ હરજી વાસીયા ઉ.વ.30 રે.ચોકાવા ગામ તા.મહુવા અને જગદીશ હરજી વાસીયા ઉ.વ.25 રે.ચોકાવાગામ તા.મહુવા વાળાને ઝડપી લીધા હતા, આ શખ્સોએ બાઈક ચોરી કર્યાંની કબૂલાત કરી હતી, આથી એલસીબી એ કુલ રૂ.7.89 લાખની કિંમત ની 22 બાઈક કબ્જે કરી સુરત રહેતા દિપેશ ઉર્ફે દિપક પરશોત્તમ શિયાળને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.