- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- The Bride Said, ‘You Took 22,000 Thousand And Now You Are Doing The Business Of Making A Mama, Our Business Needs To Be Done Now And Now’.
જૂનાગઢ2 મિનિટ પહેલા
- કૉપી લિંક
જૂનાગઢના ભવનાથમાં માનવસેવા ગ્રુપ દ્વારા આયોજીત સમૂહલગ્નમાં આજે નવદંપતીઓને સમયસર કરિયાવર ન મળતા ભારે ધમાલ મચી હતી. લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયા બાદ તુરંત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી 22 હજાર રૂપિયાની ફી લઈને કરિયાવર આપવાની વાત કરાયા બાદ કરિયાવર ન અપાતા નવદંપતી વિફર્યા હતા. તો બીજી તરફ આયોજકો કરિયાવર આવી જ રહ્યો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
આયોજકોએ કરિયાવરમાં 51 વસ્તુ આપવાની વાત કરી હતી
સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલા વાલીઓએ કહ્યું હતું કે, અમને લોકોને આયોજકો દ્વારા 15 તારીખે જ કરિયાવર લઈ જવાનું કહ્યું હતું. પરંતુ, ત્યારબાદ આજકાલ-આજકાલ કરતા રહ્યા હતા. આજે લગ્નનો દિવસ આવી જતા અમારી ચિંતા વધી હતી કે લગ્ન થશે કે નહીં. અત્યારે જાનની વિદાયનો સમય થઈ ગયો હોવા છતા કરિયાવર મળ્યો નથી. નવદપંતી પાસેથી આયોજકોએ સમૂહલગ્નમાં ફી માટે 22 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. સમૂહલગ્નની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે જ આયોજકો દ્વારા જાહેરાતમાં જ કરિયાવરમાં 51 વસ્તુઓની યાદી છાપવામાં આવી હતી.
‘અમારે જમવું નથી અમારે કરિયાવર લઈને જ જવું છે’
સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલા પરિવારજનો ભારે ગુસ્સે થયેલા જોવા મળ્યા હતા. કહ્યું હતું કે, સમૂહલગ્નમાં નોંધણી માટે એક વ્યકિત પાસેથી 11 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં સમૂહલગ્ન સમયે પણ દાનના નામે અમારા પાસેથી અલગ અલગ રૂપિયા લેવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ પણ અમારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અમને અમારો કરિયાવાર આપવામાં આવે.
શું કહી રહ્યા છે સમૂહલગ્નના આયોજક?
જૂનાગઢમાં શાંતિપૂર્વક ચાલી રહેલા સમૂહલગ્નમાં નવદંપતીઓના પરિવારજનો દ્વારા આયોજકો પાસે કરિયાવરની માગણી કરી સૂત્રોચ્ચાર કરતા થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું અને આયોજકોને પરસેવો છૂટી ગયો હતો. આયોજકોએ કહ્યું હતું કે, સામાન તૈયાર છે વાહન આવે એટલે હમણા સામાન આવી જશે. સાથે કહ્યું હતું કે, અમારે ત્યાં એવો રિવાજ છે કે લગ્ન પૂર્ણ થયા બાદ કરિયાવર આપવામાં આવે. જ્યારે ટ્રસ્ટ મુદ્દે પૂછતા કહ્યું હતું કે, અમારું કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ રજિસ્ટ્રેશન નંબર નથી.