આણંદ24 મિનિટ પહેલા
- કૉપી લિંક
આણંદ શહેર અને જિલ્લાના 58 પરીક્ષા કેન્દ્રના 750 વર્ગખંડમાં રવિવારના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વખતે એસટી વિભાગે પણ ગફલત ન રકતાં કોઇ હાબોળો થયો નહતો અને સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.
આણંદમાં રવિવારના રોજ જિલ્લાના 58 પરીક્ષા કેન્દ્રના 750 વર્ગખંડમાં 22,500 ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે નોંધાયાં હતાં. જેને ધ્યાને લઇને કલેક્ટર ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પરીક્ષાનું સુચારુ આયોજન થાય તે માટે પુરતી તૈયારી કરવામાં આવી હતી. જોકે, પરીક્ષામાં 22,500માંથી 13,712 ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. જ્યારે 8788 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આમ પરીક્ષામાં 60.94 ટકા હાજરી નોધાઇ હતી.
મહત્વનું છે કે આણંદ જિલ્લામાં યોજાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષાને અનુલક્ષીને નિવાસી નાયબ કલેકટર કેતકી વ્યાસ દ્વારા જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ કરવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની 100 મીટરની ત્રિજયામાં પરીક્ષાના દિવસ દરમિયાન ઝેરોક્ષ મશીનો,સેન્ટરો ચાલુ રાખવા ઉપર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જેનો પણ ચુસ્ત પણે અમલ કરવામાં આવ્યો હતો.વળી આ પરીક્ષા માટે જિલ્લામાં 1 સ્ટ્રોંગ રૂમ, 1 ઓબ્ઝર્વર, 3 નાયબ કો-ઓર્ડીનેટર, 1 સ્ટ્રોંગ રૂમ નોડલ ઓફિસર, 1 સ્ટ્રોંગ રૂમ કંટ્રોલર, દરેક પરીક્ષા કેન્દ્ર દીઠ 1 કેન્દ્ર નિયામક, 1 બોર્ડ પ્રતિનિધિ, 1 સીસીટીવી ઓબ્ઝર્વર, અંદાજે 3-4 પરીક્ષા કેન્દ્ર દીઠ 1 રૂટ સુપરવાઇઝર, વર્ગખંડ દીઠ એક ઇન્વીજીલેટર તેમજ પરીક્ષા કેન્દ્ર દીઠ 2 પી.એસ.આઇ./એ.એસ.આઇ. તથા 2 મહિલા અને 2 પુરૂષ પોલીસ કોન્સ્ટેબલની નિમણૂંક કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જોકે આ પરીક્ષામાં કોઇ ગેરરીતિનો બનાવ ન બનતા વહીવટી તત્રએ હાશકારો લીધો હતો. તલાટીના ઉમેદવારોને વતન જવા માટે એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડ પર પહોંચતા થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આખરે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.