રાજકોટ32 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2ની ટીમ દ્વારા બુધવારની રાતે રૂ.100 અને 500ની ડુપ્લીકેટ નોટો છાપવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં પોલીસે મુળ મોરબીના સજ્જનપરના વતની અને હાલ મોરબી રોડ રાજકોટમાં અમૃત પાર્કમાં રહેતાં નિકુંજ ભાલોડીયા તથા સાધુ વાસવાણી રોડ પર ડેરી ચલાવતાં વિશાલ ગઢીયા અને ડેરીની નજીકમાં જ રહેતાં વિશાલ બુધ્ધદેવને દબોચી લઇ કુલ રૂ. 23.44 લાખની જાલીનોટો જપ્ત કરી છે. મુખ્ય સુત્રધાર નિકુંજે ટેક્સટાઇલ, મોબાઇલ ફોન અને શેરબજારના એમ ત્રણ-ત્રણ ધંધા ફેરવ્યા છતાં ધંધામાં કોઈ નફો ન થતા છેલ્લા બે મહિનાથી નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ છે.
નોટો છાપવા કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર અને સ્કેનર લાવ્યો
પોલીસની પ્રાથમિક પુછતાછમાં મુખ્ય સુત્રધાર નિકુંજ ભાલોડીયાએ એવું રટણ કર્યુ હતું કે, પોતે મોરબીના સજ્જનપરનો વતની છે. પણ માતા-પિતા અને ભાઇ સહિતના પરિવાર સાથે છેડો ફાડી ચુક્યો છે અને પત્નિ સાથે હાલ રાજકોટમાં ભાડાના મકાનમાં રહે છે. અગાઉ તેણે જયપુરમાં ટેક્સટાઇલનો ધંધો શરૂ કર્યો હતો, પણ તે જામ્યો નહોતો. એ પહેલા ટંકારામાં મોબાઇલની દૂકાન ખોલી હતી, તેમાં પણ કંઇ આવક થઇ નહોતી. એ પછી શેરબજારનું કામ કર્યુ હતું, પરંતુ તેમાં પણ ખોટ ગઇ હતી. આમ ત્રણ ત્રણ ધંધા ફેરવ્યા છતાં આવક ન થતા પૈસાની જરૂર હોવાથી જાતે જ ચલણી નોટો છાપવાનો વિચાર કર્યો હતો. તેને અમલમાં મુકવા કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર અને સ્કેનર લાવ્યો હતો.
બે માસથી કટકે કટકે નોટો છાપી
ઇન્ટરનેટ-યુ ટયુબની મદદથી પોતે 100 અને 500ની નોટોને સ્કેનરથી સ્કેન કરી જેપીજી ફાઇલને ફોટો શોપમાં એડીટ કરી કલર પ્રિન્ટર મારફત પ્રિન્ટ આપી કટિંગ કરી નકલી નોટો છાપવા માંડયો હતો. છેલ્લા બે માસથી પોતે કટકે કટકે નોટો છાપતો હતો. આવી નોટો છાપ્યા બાદ તે ચલણમાં ચાલે છે કે કેમ? તેની ખરાઇ કરવા પેટ્રોલ પંપ, કરિયાણાની દૂકાન અને પાણીપુરીવાળા સહિતના ફેરીયાઓ પાસે ગયો હતો. જેમાં અમુક જગ્યાએ નકલી નોટ ચાલી ગઇ હતી. અમુકે કાગળ કડક હોવાથી નકલી હોવાનું કહી પાછી આપી દીધી હતી.
1 લાખની નકલી નોટોના બદલામાં 35 હજાર ચુકવ્યા
નિકુંજે અન્ય આરોપી વિશાલ ગઢીયાનું મકાન ભાડે રાખ્યું હોવાથી અને વિશાલ સાથે ફાયનાન્સ પેઢી ચાલુ કરી હોવાથી વિશાલ તેની પાસેથી મકાનનું ભાડુ પણ લેતો નહોતો. ત્યાં હવે તેણે નકલી નોટો છાપવાનું ચાલુ કર્યુ હોવાથી તેની જાણ વિશાલ ગઢીયાને કરતાં વિશાલે તેમાં રસ દાખવ્યો હતો અને પોતાની ડેરી નજીક જ રહેતો વિશાલ બુધ્ધદેવ ડેરીએ દુધ-દહીં લેવા આવતો હોવાથી તેની સાથે પરિચય હતો. તે અગાઉ જૂગારના ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો અને તેને જાલીનોટની વાત કરતાં તેણે પણ રસ દાખવ્યો હતો. આથી તેણે 500ના દરની નોટો છાપી હતી અને થોડા દિવસ પહેલા જ પોતાના મકાન માલિક તથા ડેરીના માલિક એવા વિશાલ ગઢીયાને આપી હતી. વિશાલ ગઢીયા અને વિશાલ બુધ્ધદેવે આ નકલી 1 લાખની નોટોના બદલામાં નિકુંજને અસલી 35 હજાર ચુકવ્યા હતાં.
14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ
હાલ તો નિકુંજ એવું રટણ કરે છે કે, જેટલી નોટો છાપી છે એ તમામ એટલે કે 23,44,500ની નકલી 500 અને 100 વાળી નોટો પોલીસ સમક્ષ રજૂ કરી દીધી છે. જો કે, તે બે મહિનાથી નોટો છાપતો હોવાનું રટણ કરતો હોવાથી બીજે પણ ક્યાંક વહેતી કરી દીધાની પોલીસને શક્યતા છે. જેના માટે ત્રણેય આરોપીની વિશેષ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.





