છોટાઉદેપુર જિલ્લાના 233 ગામના કૂલ 586 આવાસોનું ઈ-લોકાર્પણ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરેથી વડાપ્રધાને કર્યું | Prime Minister e-inaugurates a total of 586 houses in 233 villages of Chotaudepur district from Mahatma Mandir at Gandhinagar. | Times Of Ahmedabad

છોટા ઉદેપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આજરોજ અમૃત આવાસોત્સવની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં 1946 કરોડના ફુલ 42,441 આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કવાંટ તાલુકાના માંણાવંટમાં જીલ્લા કક્ષાનો આવાસોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 233 ગામોમાં બનાવવામાં આવેલા 586 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ લાભાન્વિત થનારા ગરીબ પરિવારોના ચહેરા ઉપર ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાનું સ્મીત જોવા મળ્યું હતું. અહીં સ્થાનિક કક્ષાએ અધિકારીઓ અને પદાધિકારીઓ કવાંટ તાલુકાના માંણાવાંટ ગામેથી વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. જેમાં આવાસના લાભાર્થી કાંતાબેન ભગવાનભાઈ રાઠવા સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો અને કાંતાબેને તેમની હળવી શૈલીમાં પ્રધાનમંત્રીને કવાંટ આવવા આમંત્રણ આપ્યું હતું.

કાંતાબેન ઉપરાંત માંણાવાંટના રાઈલાબેન કુતરભાઈ રાઠવા તેમજ હિંમત નારણભાઈ રાઠવાને આવાસ મળ્યા હતા. તેમના પત્ની અને એક દીકરી એમ પરિવારના ત્રણેય સભ્યોની આંખોમાંથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં જ હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ યોજનાના અમલથી છોટાઉદેપુર જિલ્લામાં 2016થી લઈ અને અત્યાર સુધીમાં કુલ 46,551 આવાસનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જે પૈકી 43,024 આવાસોને મંજૂર કરવામાં આવેલા છે. જેમાંથી 30,686 આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે. આ યોજના હેઠળ બાંધકામનો પ્રથમ હપ્તો મળ્યા અને છ માસની અંદર જો આવાસનું બાંધકામ પૂર્ણ કરવામાં આવે તો મુખ્યમંત્રી પ્રોત્સાહન યોજના હેઠળ લાભાર્થીઓને રૂપિયા 20 હજારની રકમ ચૂકવવામાં આવે છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં 2018-19માં કુલ 284 લાભાર્થીઓને આવી પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવેલ છે.