વલસાડ જિલ્લામાં વ્યાજબી ભાવની નવી દુકાનો માટે 24 અરજીઓમાંથી 6 મંજૂર કરાઈ, અનેક મુદ્દાઓ પર જરૂરી ચર્ચા | 6 out of 24 applications approved for new affordable shops in Valsad district, many issues need discussion | Times Of Ahmedabad

વલસાડ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર ક્ષિપ્રા એસ.આગ્રેના અધ્યક્ષસ્થાને તા.31મી મે ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકામાં નવી વ્યાજબી ભાવની દુકાન અને બ્રાંચ એફપીએસ શરૂ કરવા, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં થયેલા ફેરફાર અંગે, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી અને અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.

બેઠકમાં પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓમાં નવી વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં પારડી, મોતીવાડા અને ઉમરસાડી ખાતે ત્રણ નવી દુકાનો શરૂ કરવા માટે કુલ પાંચ અરજીઓ આવી હતી. આ તમામ અરજીઓને ઠરાવની જોગવાઈઓ અનુસાર સ્વીકારવાપાત્ર ન હોવાથી નામંજૂર કરવામાં આવી હતી અને ફરીથી જાહેરનામું બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકામાં કાંજણહરિ, કોસંબા-2, નાના તાઈવાડ અને વલસાડ અપના બજાર ખાતે ચાર નવી દુકાનો માટે કુલ 11 અરજીઓ આવી હતી, જેમાં પાંચ અરજીઓ મંજૂર કરાઈ હતી અને ઠરાવની જોગવાઈઓ અનુસાર 6 અરજીઓ નામંજૂર કરાઈ હતી. ઉમરગામ તાલુકામાં નારગોલ અને ખતલવાડામાં 2 નવી દુકાનો માટે કુલ 8 અરજીઓ આવી હતી જેમાં 2 અરજીઓ મંજૂર કરાઈ હતી અને 6 અરજીઓ નામંજૂર થઈ હતી. તેમજ ડુંમલાવમાં બ્રાંચ એફપીએસને પણ મંજૂરી આપવામાં આવી હતી.

ઉમરગામ તાલુકામાં 10 ગામોમાં નવી દુકાનોની ફાળવણી માટે ઠરાવો મુજબ દહેરી, સોળસુંબા, સંજાણ, ડહેલી, સરીગામ, મોહનગામ, ધોડીપાડા, તુંબ-ધીમસા ગૃપ, વંકાસ, બીલીયા અને નંદીગ્રામ-તલવાડા ખાતે નાવી દુકાનો માટે ચર્ચાઓ કરવામાં આવી હતી જે મુજબ દહેરી, સોળસુંબા, સરીગામમાં નવી દુકાનોની ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ જે ગામોમાં વસ્તીને ધ્યાને રાખી પહેલેથી જ દુકાનો આવેલી છે પરંતુ દુકાનો વચ્ચે વધુ અંતર ધ્યાને લઈ જરૂર જણાતાં 4 જગ્યાએ બ્રાંચ એફપીએસને મંજૂરી આપવામાં આવી હતી. મોહનગામ, ધોડીપાડા, બીલીયા અને સંજાણ ખાતે નવી દુકાનો અને બ્રાંચ ફાળવણી માટે ફેરવિચારણા હેઠળ રાખવામાં આવ્યા છે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટર એ. આર. ઝા, વલસાડ ઈનચાર્જ પ્રાંત ઉમેશ શાહ, પારડી પ્રાંત ડી. જે. વસાવા, ધરમપુર પ્રાંત કેતુલ ઈટાલીયા, પુરવઠા અધિકારી કાજલ ગામીત અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post