પ્રસૂતિ ખર્ચ મુદ્દે સાસરિયાએ 25 દિવસના બાળકને છીનવી લીધું | The mother-in-law took away the 25-day-old baby over the issue of maternity expenses | Times Of Ahmedabad

વડોદરા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કારેલીબાગની પરિણીતા અને તેનાં માતા-પિતા સાથે ઝઘડો કરી મહિલાને કાઢી મૂકી હતી
  • અભયમની ટીમે પહોંચી સમજાવટ કર્યા બાદ મામલો થાળે પડ્યો

માત્ર 25 દિવસના બાળકને સાસરીવાળાઓએ પોતાની પાસે રાખી લીધું હતું અને તેની માતાને કાઢી મૂકી હતી. પરિણીતાના માતા-પિતાએ ડિલિવરી માટે ખર્ચો ન આપતાં તે મુદ્દે ઝઘડો કરીને તેને કાઢી મૂકી હતી. નવજાત બાળકને સાસરીવાળાએ લઈ લેતાં વ્યાકૂળ માતાએ અભયમ પાસે મદદ માગી હતી. અભયમે સાસરીવાળાનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે, નવજાત બાળક માતા વગર ન રહી શકે. સાસરીવાળાએ સમજીને બાળક આપી દીધું હતું.

કારેલીબાગની મહિલાના લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા. તેઓનું દાંપત્યજીવન સુખેથી ચાલતું હતું. મહિલા ગર્ભવતી થતાં શ્રીમંત વિધિ બાદ તે રિવાજ મુજબ પિયર ગઈ હતી અને બાદમાં પાછી સાસરીમાં આવી ગઈ હતી. પ્રેગેન્સી અને ડિલિવરીનો ખર્ચ સાસરીવાળાએ ઉપાડ્યો હતો. આ અંગે સાસરીવાળા અને પરિણીતા વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. ડિલિવરી બાદ પરિણીતાની તબિયત સારી રહેતી ન હોવાથી તેનાં માતા-પિતાએ ખબર જોવા સાસરીમાં આવ્યાં હતાં. પરિણીતાનાં માતા-પિતા આવતાની સાથે જ સાસરીવાળાએ ડિલિવરીના ખર્ચા અંગે વાત શરૂ કરી ઝઘડો કર્યો હતો. આ અંગે પરિણીતાનાં માતા-પિતાએ કહ્યું હતું કે, અમારી સ્થિતિ પ્રમાણે અમે તમને ખર્ચો આપ્યો જ છે. તેનાથી વધુ અમે નહીં આપી શકીએ. સાસરીવાળાએ પરિણીતાને અને તેનાં માતા-પિતાને ઘરેથી કાઢી મૂક્યાં હતાં. જોકે 25 દિવસનું બાળક સાસરીવાળાએ આપવાની ના પાડી દીધી હતી. પોતાના સાસરીવાળા આ રીતે પોતાનું બાળક લઈ લેશે તેવો પરિણીતાને સપનામાં પણ ખ્યાલ નહોતો.

પરિણીતા સાસરીવાળા પાસે કરગરી હતી કે, બાળક તેને આપી દે પણ સાસરીવાળા એકથી બે નહોતાં થયાં. છેવટે પરિણીતાએ અભયમની સહાય લીધી હતી. ટીમને પરિણીતાએ વ્યથા જણાવતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ટીમે સાસરીવાળા સાથે વાત કરી હતી અને તેઓને સમજાવ્યું હતું કે, હાલમાં બાળક ખૂબ જ નાનું છે તેને માતાની દરેક ક્ષણે જરૂર પડે. માત્ર 25 દિવસના બાળકને અત્યારે માતાના દૂધ અને હૂંફની જરૂર છે. તેથી બાળકને માતાથી અલગ રાખી શકાય નહિ. સાસરીવાળાને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેઓએ બાળક પરિણીતાને આપી દીધું હતું.

પરિણીતા તેના મામાના ઘરે જ મોટી થઈ હતી
પરિણીતાનાં માતા-પિતાની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ હતી કે, તે દીકરીનું લાલન-પાલન પણ નહોતાં કરી શક્યાં, જેથી પરિણીતા મામાના ઘરે રહી મોટી થઈ હતી. મામાનું મૃત્યુ થતાં શ્રીમંત બાદ પરિણીતા માતા-પિતાને ઘરે ગઈ હતી. જોકે સ્થિતિ સારી ન હોવાને કારણે તે પરત સાસરીમાં ફરી હતી અને ત્યાં જ ડિલિવરી થઈ હતી.

Previous Post Next Post