- Gujarati News
- Local
- Gujarat
- Patan
- 3000 Sisters Will Hold A Convention In Patan On May 28 To Stop The Western Malpractice Of The Sisters Of The 42 Leuva Patidar Samaj.
પાટણ30 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત ભર માં હાલ માં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દીરસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખા દેખી માટે શરૂ થયેલી પ્રથાઓ સહિતના કુરિવાજો બંધ કરવા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય લીધો છે. સાથે જ શુભ-અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા દૂર કરવા પણ ઉત્તર ગુજરાતનાં 53 ગામો ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકોટ અને મુંબઈમાં રહેતી સમાજની બહેનો મક્કમ છે. આ માટે 28મી મે ના રોજ પાટણમાં રિવાજ પાર્ટીપ્લોટ માં વિશાળ મહિલા સંમેલન યોજીને 3000 થી વધુ બહેનો નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેશે. એટલું જ નહીં, સમાજે જે રીતે વર્ષ 1958માં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું, તે રીતે 65 વર્ષ પછી પ્રથમ વાર બહેનો સામાજિક બંધારણ તૈયાર કરવા જઈ રહી છે.
બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠનનાં અગ્રણી અનિતાબેન પટેલ કહે છે, ‘અમારા પૂર્વજોએ જે પરંપરા, જે રિવાજો શરૂ કર્યા હતા, જેમાં અમે કોઈ સુધારો કે વધારો નથી કરતા. અમે તો ખાસ કરીને 20-25 વર્ષમાં ટીવી સિરિયલો અને ફિલ્મો જોઈને લગ્નમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, ડીજે પાર્ટીના દેખાડા પાછળ કરાતા ખર્ચ અને રીસેપ્શન, હવન, સગાઈ જેવા પ્રસંગોએ કવર આપવા-લેવા, મરણ પ્રસંગે સોનાના દાગીના આપવો, પુત્ર-પુત્રીના જન્મ વખતે પેંડાના બદલામાં પૈસા આપવા, મોટી રકમનાં મામેરાં કરવાં જેવા રિવાજો પહેલાં ક્યારેય નહોતા. આ નવી પેઢીએ ઉમેરેલા છે. આધુનિક જીવનશૈલી અને મોંઘવારીમાં આવા નવા રિવાજોથી સુખી-સંપન્ન પરિવારોને ફરક નથી પડતો પણ મધ્યમ વર્ગના પરિવારોએ સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે પણ કમને ખર્ચ કરવા પડતા હોય છે. એટલે અમે આવા નવા ખર્ચ બંધ કરવા માગીએ છીએ.
હાલ યુવાપેઢી ટીવી પર આવતી સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી સિરિયલો અને ફિલ્મોનું અનુકરણ કરી રહી છે. ભવિષ્યમાં આ રિવાજો ખર્ચાળ બની શકે છે. એટલે અત્યારથી જ બંધ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. નવા રિવાજો મોટા ભાગે મહિલા સંબંધી હોઈ અપરિણીત યુવતીઓથી લઈ સાસુઓને આ સામાજિક સુધારણાની લડતમાં સામેલ કરાઈ છે. અમને આશા છે ભવિષ્યમાં ખૂબ સારું પરિણામ મળશે.’ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનના હાર્દિક પટેલ જણાવ્યું હતું કે અમે પણ આ મહિલાઓ ને સાહિયોગ આપીશું અને અમારા જેવા યુવાનો ને આવા ખોટા ખર્ચા બંધ કરવા સમજવા માં આવશે. તેમ જણાવ્યું હતું.
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના વર્ષ 1958માં બંધારણમાં કરાયેલા સુધારા
- 1. લગ્નપ્રસંગે જાનને 2 દિવસ અને 4 ટંક જમણને બદલે એક જ રાત રોકવી,
- 2 ટંક જમાડીને વિદાય આપવી.
- 2. મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીનાને બદલે રૂ. 1થી 1051 સુધીની રકમ અને દાગીના મૂકવા.
- 3. જાનમાં બેન્ડવાજા સદંતર બંધ કરવા.
- 4. લગ્નપ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા.
- 5. લગ્નપ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગાણાં ગાવાં.
- 6. મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી માત્ર એક જ દિવસે લોકાચારે જવું.
- 7. મરણ જનારની પાછળ સજા ભરવાનું સદંતર બંધ કરવું.
- 8. મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું સદંતર બંધ કરવું.
વર્ષ 2023માં મહિલા સંગઠન દ્વારા કરવામાં આવનારા સુધારા
- 1. લગ્નમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દીરસમ, બેબીશાવર, ડીજે પાર્ટી પાછળનો ખર્ચ બંધ કરવો.
- 2. લગ્ન પછી રિસેપ્શન, હવન, સગાઈ, સીમંત જેવા પ્રસંગોએ કવર આપવા અને લેવા નહીં.
- 3. મરણપ્રસંગે સોનાનો દાગીનો અને કવર આપવાનું બંધ કરવું.
- 4. પુત્ર કે પુત્રીના જન્મ પ્રસંગે પેંડા વેચે તેના બદલામાં પૈસા લેવા-આપવાનું બંધ કરવું.
- 5. મોટી રકમનાં મામેરાં કરવાં નહીં.
- 6. હોળી-હાયડા નિમિત્તે પૈસા આપવાનું બંધ કરવું.
- 7. મરણ પ્રસંગે ધોતિયાના કવરની પ્રથા બંધ કરવી.
- 8. ચૌલક્રિયા પ્રસંગે માથું ઢાંક્યાના ચાંલ્લા લખવાનું બંધ કરવું.
- 9. સગાઇ વખતે લાગ આપવાનું બંધ કરવું.