રાજકોટમાં વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને 28 મેએ મોરારિબાપુના હસ્તે એવોર્ડ અપાશે | Senior journalist Kaushik Mehta will be presented with the award by Moraribapu on May 28 in Rajkot | Times Of Ahmedabad

રાજકોટ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જીવનના છેલ્લા શ્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેનારા શતાયુ પત્રકાર, લેખક અને ચિંતક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં પ્રતિ વર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રતિવર્ષ એનાયત થતો ‘નચિકેતા એવોર્ડ’ આ વર્ષે રાજકોટ સ્થિત વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને એનાયત થશે. 28 મેના રોજ રવિવારે સાંજે 5 વાગ્યે કોટેચા પાસે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં યોજાનાર કાર્યક્રમમાં મોરારિબાપુના હસ્તે ‘નચિકેતા એવોર્ડ’ કૌશિક મહેતાને એનાયત થશે.

કેવી રીતે નચિકેતા એવોર્ડ આપવાનો પ્રારંભ થયો
2019મા રાજકોટમાં નગીનદાસ સંઘવીનું શતાયુ સન્માન યોજાયું હતું. એ વખતે એમને અર્પણ થયેલી ધનરાશી એમણે સ્વીકારી નહોતી. એટલે એમાંથી પ્રતિ વર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર પત્રકારોનું સન્માન કરવા નિર્ણય થયો હતો. એ રીતે નચિકેતા એવોર્ડનો પ્રારંભ થયો. આ એવોર્ડ અંતર્ગત રૂપિયા 1,25,000ની પુરષ્કાર રાશી અને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજ સુધીમાં આ એવોર્ડ ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હિરેન મેહેતા, વિકાસ ઉપાધ્યાય, ભાર્ગવ પરીખ, ચિરંતના ભટ્ટ, ભવેન કચ્છીને એનાયત થયા છે અને હવે વરિષ્ઠ પત્રકાર અને એક અખબારના પૂર્વ તંત્રી કૌશિક મહેતાને આ એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે.

કૌશિક મહેતા 14 વર્ષ તંત્રીપદે રહ્યા
કૌશિક મહેતા અખબારમાં 14 વર્ષ તંત્રીપદે રહ્યા હતા. વિવિધ વિષયો પર એમની કલમ ચાલતી રહી છે. 22થી વધુ પુસ્તકો પણ આપ્યા છે. 28 મેના રોજ યોજાનારા કાર્યક્રમમાં જાણીતા પત્રકાર અને લેખક કૃષ્ણકાંત ઉનડકટ નગીનદાસ સંઘવીનું સ્મરણ કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિના ભરત ઘેલાણી અને જયંતીભાઈ ચાંદ્રા દ્વારા રસ ધરાવનારા સૌ કોઈને નિમંત્રણ છે.