જૂનાગઢએક કલાક પહેલાલેખક: દિવ્યકાંત ભુવા
- કૉપી લિંક
- સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સના નામે રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ
અતુલ મહેતા રાજ્ય સરકારની નવી શિક્ષણનીતિ હેઠળ શરૂ થનારી સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે કોમ્પ્યુટર લેબમાં સહાયક શિક્ષકોની ભરતીના નામે રાજ્યવ્યાપી કૌભાંડ ચાલી રહ્યું છે. રૂ. 28,900ના માસિક પગારવાળી નોકરીની લાલચ આપીને યુવાનો પાસેથી 1-1 લાખ રૂપિયા પડાવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં કેટલાક યુવાનો ભોગ બન્યાની વાત મળતાં ‘દિવ્ય ભાસ્કર’એ તપાસ આદરી હતી, જેમાં પૂણેનું સરનામું ધરાવતી બીવીજી પ્રા. લિ. નામની લેભાગુ કંપનીના એજન્ટો ગામેગામ ફરતા હોવાનું જાણવા મળ્યું હતું.
સહાયક શિક્ષકોની ભરતીના નામે રાજ્યવ્યાપી કૌભાંડ
એટલું જ નહીં, સૂત્રાપાડાના એક યુવાનને 12 જાન્યુઆરીએ નિમણૂક પત્ર આપી દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે તેને પગાર હજી નથી થયો. આવા વચેટિયા જૂનાગઢ જિલ્લામાં પણ ફરી રહ્યા છે. સૂત્રાપાડાના યુવકને નિમણૂક પત્ર મળ્યા પછી પગાર ન થતાં તે જિલ્લા શિક્ષણાધિકારી પાસે ગયો હતો અને અધિકારી પાસે પગાર માટે ગ્રાન્ટની માગણી કરી હતી. આ સાંભળીને અધિકારી ચોંકી ગયા હતા. પૂછપરછ પછી ભાંડો ફૂટ્યો હતો. સૂત્રાપાડાના યુવકને અપાયેલા નિમણૂક પત્રમાં પગાર, પીએફ કપાત સહિતની બધી વિગતોનો ઉલ્લેખ છે.
બેરોજગાર યુવક અને ભરતી કરાવી આપવાની વાત કરતા યુવક વચ્ચેનો સંવાદ
વચેટિયો – આપણે વાત તો થઈ હતી ને કે વૅકેશન ખૂલતાં શરૂઆત કરીશું. વૅકેશનમાં કોમ્પ્યુટર લેબમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવશે.
બેરોજગાર – હજુ વૅકેશન સુધી?
વચેટિયો – હા. વૅકેશનમાં ઇન્સ્ટોલેશન કરાવીશું ત્યારે જરૂર હશે તો છોકરાંવનો ઉપયોગ કરીશું. ન કરીએ તોપણ બધાને રૂ. 10 હજાર કે 10,500 પગાર પેટે મળી જશે. આ વાત અત્યારે કોઈ છોકરાંવને કહેવાની નથી પણ તા. 20થી 25 જૂન, એમ 5 દિવસ જૂનાગઢ તાલીમ શિક્ષણ ભવન ખાતે જેની ભરતી થઈ હોય, તેને તાલીમ અપાશે. ત્યારે બધાને લેપટોપ સહિત જરૂરી સામગ્રી મળી જશે અને જોઇનિંગ ઑર્ડર પણ ત્યારે જ મળશે. અત્યારે વૅકેશન છે. નિરાંત રાખો, ભઈલા.
બેરોજગાર – તો પગાર કેમ મળશે?
વચેટિયો – અરે, એ તો બધાને બૅન્કમાં જમા થઈ જશે પણ મેં કહ્યું એમ મે મહિનામાં કંઈ નહીં મળે. જૂનમાં પહેલો પગાર રૂ. 10 હજાર જે રૂ. 10500 મળી જશે પણ આ વાત કોઈને કરતા નહીં.
દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં સ્કૂલ ઓફ એક્સલન્સમાં ભરતીની કબૂલાત
‘દિવ્ય ભાસ્કર’એ પ્રદીપ નામના મેંદરડાના વચેટિયા સાથે ટેલિફોનિક વાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ‘હા, ભરતી થવાની છે. સુરતથી ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે. આ ભરતી સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે થવાની છે.’ ‘દિવ્ય ભાસ્કર’એ કહ્યું અમારે એક વ્યક્તિની ભરતી કરાવાવી છે. આથી પ્રદીપે કહ્યું હતું કે ‘ભરતી શરૂ થશે એટલે હું આપને જાણ કરી કરીશ.’ ભાસ્કરે ‘રૂ. 1 લાખ ક્યારે અને કોને આપવાના?’ તો કહ્યું કે ‘એવું કઈં નથી. ભરતી વખતે હું તમને જાણ કરીશ.’
આવી કોઈ ભરતી થતી નથી. હું પોલીસ તપાસ કરાવીશ : શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાથે ટેલિફોનિક વાતમાં આવી ભરતી માટે મંજૂરી અપાઈ છે? સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે કોમ્પ્યુટર લેબ માટે કોઈ ભરતી થઈ રહી છે? તેવું પૂછતાં તેમણે કહ્યું હતું કે ભરતી થતી હોય તો સરકારના નિયમ મુજબ જાહેરાત પ્રસિદ્ધ કરાતી હોય છે પણ આવી કોઈ ભરતી થતી નથી છતાં કોઈ એજન્સી આવું ચલાવતી હોય તો પોલીસને તપાસ માટે ભલામણ કરીશ.
આવી કોઈ ભરતી માટે મંજૂરી મળી નથી
કોઈ પણ અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કે તેના મળતિયા દ્વારા થતી વાતો સંપૂર્ણ તથ્યહીન છે. સરકાર દ્વારા આવી કોઈ ભરતી કરાતી નથી કે કોઈને ભરતી કરવાની મંજૂરી મળી હોય તેવું પણ નથી. જો આવી ભરતી કરતા હોય તો તેની પાસે સરકારની મંજૂરીના કાગળો માગવા જોઈએ. સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પણ કોઈ ભરતી નથી થતી. એ બધી અગાઉ થઈ ચૂકી છે, જેની સાથે આને કોઈ લેવાદેવા નથી.’ – વિપુલભાઈ ઘુચલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી