કચ્છ (ભુજ )5 કલાક પહેલા
- કૉપી લિંક
લખપત તાલુકાના મોરી રેવેન્યૂ સિમ વિસ્તારમાં ગત રવિવારે સસલાને ધોકા વડે મોતને ઘાટ ઉતારી શિકાર કરનારા ચારેય આરોપીઓને મિજબાનીની તૈયારી દરમિયાન વનવિભાગે રંગેહાથે ઝડપી લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા ચારેય આરોપીઓને આજે દયાપર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તમામ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
લખપતના મોરી વિસ્તારમાં રવિવારે મધરાત્રે બે આરોપીઓ શિકાર કરવાના હોઈ બાતમીના આધારે વનવિભાગે વોચ ગોઠવી હતી.ત્યારબાદ વાડીએ મિજબાની કરવાના હતા તે પહેલા જ દયાપર દક્ષિણ રેન્જનો ફોરેસ્ટ સ્ટાફ પહોંચી ગયો હતો અને મોટરસાયકલ,ટોર્ચ,ધોકા સહિતના મુદ્દામાલ સાથે ચારેયને ઝડપી પડ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.જી રબારીએ જણાવ્યું હતું કે,આરોપીઓમાં પીપરના જેન્તી રામજી મહેશ્વરી,નારણ બુધા મહેશ્વરી,કોલી જુમા આચાર અને રોડાસરના કાનજી રામજી મહેશ્વરીને પકડી વન્યજીવ સંરક્ષણ અધિનિયમન ૧૯૭૨ અંતર્ગત શિકાર સહિતની કલમો તળે ગુન્હો નોંધ્યો હતો.
આજે મંગળવારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં કોર્ટે ચારેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. બનાવની વાત કરવામાં આવે તો આરોપીઓએ ધોકાથી સસલાને મોતને ઘાટ ઉતારી બાદમાં વાડીએ જઈ મિજબાનીનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં વન વિભાગે પહોંચી ગુન્હેગારોને પકડી પાડ્યા હતા. ઉલ્લેખનિય છે કે એકજ સપ્તાહમાં બે વખત પશ્ચિમ કચ્છ વનવિભાગે શિકારી પ્રવૃત્તિ પર ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં વનપાલ કે.આર ચંપાવત,જે.પી ગઢવી અને વનરક્ષક કિશાન ભાગરા,મેહુલ સીતાપરા,બેચરભાઈ ચૌધરી સહિત સ્ટાફ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જોડાયો હતો. નોંધનીય બાબત છે કે,ત્રણ દિવસ અગાઉ અબડાસાના ચીયાસર સીમમાં બંદૂકના ભડાકે શિકાર કરનારા બે આરોપીને પશ્ચિમ કચ્છ વનવિભાગે ઝડપી પાડ્યા હતા.