2 કલાક પહેલા
- કૉપી લિંક
હાઈકોર્ટની ફાઈલ તસવીર.
મોરબીનો ઝુલતો બ્રિજ ધરાશાયી થતા 135 જેટલા લોકોના મોત થયા હતા. જેની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. સીટનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે. ત્યારે આ ઘટનામાં 10 જેટલા આરોપીઓ સામે 1262 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ આરોપીઓ પૈકી 7 આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરાઈ હતી. જેમાં ત્રણ સિક્યોરિટી ગાર્ડનો પણ સમાવેશ થતો હતો. આ જામીન અરજી કોર્ટ દ્વારા અગાઉ ફગાવી દેવામાં આવી હતી. પરંતું ત્યારબાદ ફરી એકવાર આ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટેમાં જામીન અરજી દાખલ કરી હતી. જે પૈકી આજે ત્રણ સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને પ્રકાશ ચૌહાણના નિયમિત જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જ્યારે જયસુખ પટેલ હજી જેલમાં જ રહેશે.
સુરક્ષાકર્મી તરીકે ત્રણેય આરોપી ફરજ બજાવતા
દુર્ઘટના અગાઉ બ્રિજના સુરક્ષાકર્મી તરીકે આ ત્રણ આરોપીઓ ફરજ બજાવતા હતા. મેનેજમેન્ટ સાથે કે બ્રિજના બાંધકામમાં આ આરોપીઓની કોઈ સીધી લેવડ-દેવડ ન હોવાની કોર્ટમાં બચાવપક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપીઓમાં જયસુખ પટેલ, બે મેનેજર, ટિકિટ બુકિંગ કરતા બે કલાર્ક, બે સબ કોન્ટ્રક્ટર અને ત્રણ સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 9 આરોપીને ઝડપ્યા હતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ પોલીસે તુરંત ઓરેવા ગ્રુપના મેનેજર સહિત 9 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્રણ મહિના સુધી ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમ.ડી.એ પણ આખરે કોર્ટની શરણે ગયા હતા. ત્યારબાદ જયસુખ પટેલની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. બાદમાં જયસુખ પટેલને સબ જેલમાં મોકલવામાં આવ્યો હતો. એક મહિના જેટલો સમય જેલમાં રહ્યા બાદ જયસુખ પટેલે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી અને જયસુખ પટેલને કોઈ રાહત મળી નથી.
જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી
મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મૂકવામાં આવ્યું નહતું.
ગોઝારી ઘટના મોરબીવાસીઓ ભૂલી શકશે નહીં
મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના શકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા માણી રહ્યાં હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચ્યો હતો.