અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે દરેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે અનેક વિસ્તારમાં તો સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીની આ એક જ ધોધમાર વરસાદે ખોલી નાખી છે. પહેલાના જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડતા અનેક જગ્યાએ પાણી ભરાવવાથી લઇને ડ્રેનેજ લાઈનોમાં પાણી ઉતર્યું ન હોવાની ફરિયાદો મળ્યું હતું.
સોસાયટીઓની બહાર જ પાણી ભરાવવાની ફરિયાદ ઊઠી
અમદાવાદ શહેરમાં આજે સાંજે ભારે પવન સાથે વરસાદ પડતાં જ શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદો ઉઠી હતી. અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા અને ગટરની કેચપીટમાં પાણી ઉતર્યું ન હતું. ઘરના પૂર્વ વિસ્તારમાં આવેલા મણીનગરમાં ગોરના કુવા અને ભાઈપુરા વિસ્તારમાં સોસાયટીઓની બહાર જ પાણી ભરાવવાની ફરિયાદ ઉઠી હતી. વિજયપાર્ક સોસાયટીની બહાર પાણી ભરાઈ ગયું હતું. મણિનગર ગુરુજી બ્રિજની બાજુમાં પણ પાણી ભરાઈ ગયું હતું. 30 મિનિટ સુધી પાણી ભરાઈ રહેવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ભાઈપુરા વોર્ડમાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે, જ્યાં પ્રિ-મોનસુનની કામગીરી યોગ્ય કરવી જોઈએ ત્યાં જ કામગીરી ન થઇ હોવાની પોલ ખુલી ગઈ હતી.
પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં 50,000થી વધુ કેચપીટો બે- ત્રણ વાર સાફ કરાઈ. ગટરના ઢાંકણાઓ બદલવામાં આવ્યા. તમામ જગ્યાએ લાઈનોને સાફ કરવામાં આવી હોવાની વગેરે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ, જ્યારે આજે 30 મિનિટ સુધી શહેરમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ આ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગટરની કેચપીટોમાં પાણી ઝડપથી ઊતરતું ન હતું અને પાણી ભરાયેલું રહેતું હતું તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. શહેરમાં 50થી વધુ જગ્યાએ ઝાડ પડ્યા હતા. જેમા સરસપુરમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું છે.
ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને કમિશનરથી લઈ તમામ અધિકારીઓ વચ્ચે પ્રિ-મોનસુનની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગથી લઈ તમામ વિભાગો દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને અન્ય વિભાગો દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે, તેની પોલ આ પ્રિમોન્સૂન વરસાદે જ ખોલી નાખી છે ત્યારે હવે આવી કામગીરીના પગલે આગામી ચોમાસુ શરૂ થશે અને ધોધમાર વરસાદથી શહેર આખું પાણી-પાણી અને અનેક જગ્યાએ ઝાડ પડવાની અને જાનહાનિ થવાની ચોક્કસ સંભાવનાઓ જણાઈ રહી છે.
રસ્તામાં ભુવો પડતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો
શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાસે લાલી વાલા ફાર્મની સામે જ RCC જવાના રોડ ઉપર ભુવો પડ્યો હતો, જેના કારણે એક ગાડી થઈ ગઈ હતી. જો કે, સદનસીબે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ગત વર્ષે જે રોડ ઉપર ભુવો પડ્યો હતો અને એક એકટીવા ચાલક એકટીવા સાથે ગરકાવ થઈ ગયો હતો તે જ રોડ ઉપર આ ભુવો પડ્યો છે અને ગુરુવારે ગાડી પણ ગરકાવ થઈ ગઈ હતી. આ ભુવો પડવાના કારણે આસપાસના લોકોમાં પણ ભારે ગભરાહટ ફેલાઈ ગયો હતો.