જામનગર14 મિનિટ પહેલાલેખક: જયરામ મહેતા
- કૉપી લિંક
- જામનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના પ્રાચીન ચિકિત્સા સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામ
આપણા ઋષિમુનિઓએ જે ગ્રંથો લખ્યાં, તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. વેદમંત્રો, તેનો સ્પષ્ટ ઉચ્ચાર, ધ્વનિ આજના ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના સમયમાં પણ અસરકારક છે. તેનું પ્રમાણે જામનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદમાંથી મળી રહ્યું છે. અહીં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પર સંશોધન શરૂ થયાં છે, તેમાં વૈદિક મંત્રો એલોપથીની ચોક્કસ દવાઓનો વિકલ્પ બની શકતી હોવાનું સુખદ આશ્ચર્ય જન્માવતાં પરિણામ મળ્યાં છે.
અહીં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પર સંશોધન શરૂ થયાં
સંસ્થાનના ડિરેક્ટર ડૉ. અનુપ ઠાકરે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે ‘મંત્રો અને ધ્વનિનું એક વિજ્ઞાન છે. વૈદિક શાસ્ત્રોમાં તેનો અસરકારક રીતે ઉપયોગ થતો હતો. આપણે ત્યાં એટલે જ શબ્દને નાદબ્રહ્મ કહ્યો છે. મંદિરમાં ઘંટ એટલે જ પિત્તળના હોય છે, જેનાથી ચોક્કસધ્વનિ આવે છે. યુદ્ધમાં પણ જોશ ચડાવવા માટે નગારાં વગાડાતાં હતાં અને તાના-રીરીએ મલ્હાર ગાઈને વરસાદ વરસાવ્યો જ હતો ને! આઇન્સ્ટાઇને પણ કહેલું કે તમે ઉચ્ચારેલા શબ્દો અનંતકાળ સુધી બ્રહ્માંડમાં ફરતા રહે છે.’ ઉપરાંત, અન્ય એક પ્રયોગમાં ગર્ભસ્થ શિશુ પર સંસ્કૃતના મંત્રોની પૉઝિટિવ અસર સામે આવી હતી અને તેની સાબિતીરૂપે રેડિયોલોજિસ્ટની મદદથી સોનોગ્રાફી દ્વારા તેની તસવીરો પણ લેવામાં આવી હતી.
આવી રીતે કરાયું સંશોધન
અનિદ્રાની સમસ્યા ધરાવતા 20થી 60 વર્ષના 60 દર્દીને 2 ભાગમાં વહેંચ્યા હતા, જેમાં 30 દર્દીને ઊંઘની આયુર્વેદિક દવા અપાઈ હતી જ્યારે અન્ય 30 દર્દીને દિવસમાં 2 વાર એટલે કે સવારે સ્નાન કર્યા બાદ અને રાત્રે સૂતા પહેલાં 15થી 20 મિનિટ સુધી પુરાણમાંથી લેવામાં આવેલો સુખપ્રદાન નિદ્રા આપતો શ્લોક સંભળાવવામાં આવ્યો હતો. સતત 28 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રખાઈ હતી. આ રિસર્ચ બાદ શ્લોક સાંભળનારા દર્દીઓની અનિદ્રાની સમસ્યા દૂર થઈ હતી. શ્લોક સાંભળનારા દર્દીઓને સુખદ નિદ્રા આવે છે કે નહીં એ જાણવા માટે આ પ્રયોગ બાદ પણ સતત મહિના સુધી તેમનું ફોલોઅપ લેવાયું હતું. જેમાં શ્લોક સાંભળનારા દર્દીઓની અનિદ્રાની સમસ્યા દૂર થઈ હોવાનું સામે આવતાં શ્લોકની અસર દવા કરતાં સહેજ પણ ઓછી ન હોવાનો નિષ્કર્ષ નીકળ્યો હતો અને દવાને મંત્રથી રિપ્લેસ કરી શકાય છે એ સાબિત થયું હતું.
પ્રયોગ-1 | મંત્રધ્વનિ સાંભળીને ગર્ભસ્થ શિશુ પ્રફુલ્લિત થયું
મંત્રધ્વનિની અસર જાણવા માટે સગર્ભાની મદદ લેવાઈ હતી. મહિલાને 11 મિનિટ સુધી કોઈ ઘોંઘાટિયું સંગીત સંભળાવાયું. આ સંગીત દરમિયાન ગર્ભસ્થ શિશુની સોનોગ્રાફી કરીને એની મુખમુદ્રાની તસવીર લેવાઈ હતી. ત્યાર બાદ એક કલાકના અંતર પછી 11 મિનિટ સુધી શાસ્ત્રોમાં બતાવાયેલું મંત્રધ્વનિયુક્ત સંગીત સંભળાવીને સોનોગ્રાફીથી તેનાં પણ પિક્ચર લેવામાં આવ્યા. ઘોંઘાટિયા સંગીત દરમિયાન ગર્ભસ્થ શિશુ ડરી રહ્યું હોય તેવી તેની મુખમુદ્રા બની ગઈ હતી, જ્યારે મંત્રોચ્ચાર સાંભળીને એ જ શિશુ એકદમ રિલેક્સેશન અનુભવીને પુલકિત બન્યું હોય એવી એની મુખમુદ્રા હતી. આયુર્વેદાચાર્ય કરિશ્મા નારવાણી અને જી. જી. હૉસ્પિટલના રેડિયોલોજીના પ્રોફેસર ડૉ. શિલ્પા ચુડાસમાએ મળીને આ રિસર્ચ કર્યું હતું.
પ્રયોગ-2 |અનિદ્રાના 60 દર્દી પરના સંશોધનમાં સાબિતી મળી
અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રયોગમાં સંસ્કૃતનો ચોક્કસ શ્લોક પણ દવા જેટલો જ અસરકારક હોવાનું સાબિત થયું છે. રિસર્ચના અંતે શ્લોકની અસર દવા કરતાં સહેજ પણ ઓછી ન હોવાનો નિષ્કર્ષ સામે આવતાં કર્મચારીઓ રોમાંચિત થઈ ગયા હતા. ઇન્સ્ટિયૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના એમ.ડી. માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ દ્વારા અનિદ્રાની સમસ્યા પર રિસર્ચ કરાયું હતું.
શ્લોકનો ધ્વનિ, લય મનને અસર કરે છે
ઋષિ અગત્સ્ય, માધવ, મહાબલિ, મુચુકંદ અને કપિલમુની આ પાંચ સુખપ્રદ નિદ્રા આપનારા છે. (આ પાંચનું સ્મરણ સુખપ્રદ નિદ્રા આપે છે.) આ શ્લોક પુરાણમાંથી લેવામાં આવ્યો છે. શ્લોક માત્ર શબ્દોથી નહીં, ધ્વનિથી કામ કરે છે. આથી શ્લોકનો લય અને યોગ્ય ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે. જો શ્લોકનું ઉચ્ચારણ યોગ્ય પદ્ધતિથી કરવામાં ન આવે તો યોગ્ય પરિણામ મળતું નથી.
‘મંત્ર ચિકિત્સામાં શબ્દોનો અસરકારક ઉપયોગ કરાયો’
મંત્રો અને ધ્વનિનું પણ વિજ્ઞાન છે, જેની મનમગજ પર અસર થાય છે. યોગ્ય સમયે, યોગ્ય ઉચ્ચારણ ચોક્કસ કરે છે. અમે પણ ચોક્કસ ધ્વનિ સાથે તેનો ઉપયોગ કર્યો છે.’ > ડૉ. અનુપ ઠાકર, ડિરેક્ટર, રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર
‘અંગોના વિકાસને અનુરૂપ રાગ-વેદમંત્રો કરવાના હોય છે’
ગર્ભસ્થ શિશુ પર મહિના પ્રમાણે ગ્રહ-નક્ષત્રોની વિવિધ અસર થાય છે. તે માટે શાંતિમંત્રો અને સૂક્તો પણ છે. અંગોના વિકાસને અનુરૂપ રાગ છે, એ જ રાગમાં વેદોના મંત્રો સંભળાવાય તો અસર થાય. વેદોમાં ગર્ભાવસ્થામાં સંભળાવવા સુક્તો છે.’ > કરિશ્મા નારવાણી, આયુર્વેદાચાર્ય, જામનગર