રાજકોટ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટમાં હાલ ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને લાંબા સમય બાદ ફરીથી મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. આ સિવાય શરદી-ઉધરસનાં 306 કેસ, તાવના 47 અને ઝાડા-ઉલ્ટીના 83 કેસ સપ્તાહમાં નોંધાયા છે. હજુ મે મહિનામાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહીને લઈ મચ્છરજન્ય રોગનાં દર્દીઓમાં વધારો થવાની શક્યતાએ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અને ઠેર-ઠેર ફોગીંગ સહિત કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં પહેલી વખત ઉનાળાના મે મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સીઝનલ રોગચાળાના કેસમાં વધારો યથાવત છે. આરોગ્ય અધિકારીના કહેવા મુજબ તો આકરા ઉનાળાની મોસમમાં મેલેરીયાનો એક કેસ પણ લાંબા સમય બાદ આવ્યો છે. જોકે ડેંગ્યુ અને ચીકનગુનીયાના કોઇ દર્દી નથી. આ સિવાય સપ્તાહમાં શરદી, ઉધરસના પણ 306 દર્દીઓ ચોપડે નોંધાયા છે. સામાન્ય તાવના 47 અને ઝાડા ઉલ્ટીના 83 દર્દી નવા નોંધાયા છે. ઉનાળામાં ચોમાસુ માહોલ વચ્ચે આગામી દિવસોમાં રોગચાળો ફેલાય તેવી દહેશત હોવાથી લોકો જાગૃત રહી કોરોનાનાં માસ્ક સહિતના નિયમોનું પાલન કરે તે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સીઝનમાં અને ડબલ ઋતુમાં વરસાદી પાણી ભરાય તો તુરંત જ નિકાલ કરવો જરૂરી છે અન્યથા મચ્છરનો ઉપદ્રવ અને તે કારણે રોગચાળો વધવાનો ભય રહે છે. ત્યારે આરોગ્ય વિભાગે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.24 થી તા.30 દરમ્યાન 11,168 ઘરમાં પોરાનાશક અને 188 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી હતી. જયારે જાગનાથ પ્લોટ, શ્રધ્ઘા એપા., સ્વામી વિવેકાનંદન ટાઉનશી5, જીવરાજ પાર્ક, ભુતનાથ મંદિર પાસેનો નદી કાંઠાનો વિસ્તાર, જય ભોજલરામ સોસા., સહિતના અનેક વિસ્તારમાં સઘન ફોગીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 274 અને કોર્મશીયલ 7 આસામીને નોટીસ આપવામાં આવી હતી.