અમદાવાદ39 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં ‘તલાટી-કમ-મંત્રી’ની 3,437 ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તારીખ 7મે, 2023ના રોજ ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. પરીક્ષા માટે નોંધાયેલા 17.10 લાખ ઉમેદવારમાંથી 8,64,400 ઉમેદવારે પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. આ રવિવારે બપોરે 12:30 વાગ્યાથી 13:30 વાગ્યાની વચ્ચે પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્ય સરકાર વતી ઉમેદવારોને ઋષિકેશ પટેલે પરીક્ષા માટે અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં તલાટી-કમ-મંત્રીની 3,437 ખાલી જગ્યા ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7મી મે, 2023ના રોજ પરીક્ષા યોજાવા જઈ રહ્યું છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.
30 જિલ્લાના 2,694 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા
આ બેઠકમાં ચર્ચાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે તેમણે મીડિયાને માહિતી આપતાં જણાવાયું હતું કે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી-કમ-મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64,400 ઉમેદવાર પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલાં કુલ 2,694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.
8,64,400 ઉમેદવાર પરીક્ષા આપશે.
ઉમેદવારો માટે વધારાની બસો-ટ્રેનોની વ્યવસ્થા
ભૂતકાળમાં રાજ્યનાં વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરીક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય એ માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ? એ અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. એ મુજબ રાજ્યના કુલ 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે તેમજ પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ભરતી મંડળ દ્વારા જિલ્લાકક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે એ માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સુરક્ષાને લઈને સરકાર તથા વહીવટી તંત્ર સતર્ક
અમદાવાદ જિલ્લામાં 1.35 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદ જિલ્લામાં 1.35 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેનિંગ આપેલા 03 હજાર જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં કુલ 465 કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે. પરીક્ષા કેન્દ્રો સુધી પેપર પહોંચાડવા 133 રૂટ નક્કી કરાયા છે. જિલ્લામાં પરીક્ષાના પેપર રાખવા 04 સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. દરેક સ્ટ્રોંગરૂમની જવાબદારી એક-એક ડેપ્યુટી કલેકટર, બે પ્રાંત અધિકારી, બે ડેપ્યુટી TDO અને તેમની ઉપર એક-એક એડિશનલ કલેકટર રખાયા છે, એટલે કે પેપરની સુરક્ષાને લઈને સરકાર તથા વહીવટી તંત્ર સતર્ક છે.
એક કેન્દ્ર પર 18-20 જેટલા કર્મચારીઓ હશે
દરેક પરીક્ષા કેન્દ્ર પર બ્લોકવાઇસ 10 જેટલા નિરીક્ષકો, 03 જેટલા સુપરવાઇઝર, 01 કેન્દ્ર સંચાલક, 01 બોર્ડ પ્રતિનિધિ અને 03 પ્યૂન હશે. આમ, એક કેન્દ્ર પર 18-20 જેટલા કર્મચારીઓ હશે. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી નથી. આ પરીક્ષામાં ફ્લાઈંગ સ્ક્વોડ નહિ હોય, પણ આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 18 નાયબ સંકલનકર્તા રાખવામાં આવ્યા છે. જેઓ ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ
દરેક સેન્ટર CCTV કેમેરાથી સજ્જ હશે, જ્યાં પાણી, વોશરૂમ, પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આશરે 11.30 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર પેપર પહોંચી જશે. એ માટે 133 જેટલી ટીમ બનાવવામાં આવી છે. પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 07925508141 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.
વડોદરામાં 75,210 ઉમેદવારો પરીક્ષા આપશે
વડોદરા જિલ્લામાં 203 પરીક્ષા કેન્દ્રમાં 75,210 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા માટે ઉમેદવારોને પોતાનું પરીક્ષા કેન્દ્ર (શાળા/કોલેજ) શોધવામાં સરળતા રહે, ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન આપી શકાય તે હેતુથી જિલ્લા પંચાયત કચેરીના પહેલા માળે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટેલિફોન નંબર 0265-2438110 છે.