લાલ દરવાજાના ભદ્ર પાથરણાં બજારમાં ગેરકાયદેસર બેસતા 375 ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા | 375 hawkers who were sitting illegally in Lal Darwaza Bhadra Patharna market were removed | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પ્લાઝામાં છેલ્લા કેટલાય સમયથી પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. ભદ્રકાળી મંદિરે પણ આવવા-જવા માટેની જગ્યા રહેતી ન હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલા પાથરણાંવાળાનો સર્વે કરી અને જેટલા લોકો પાસે વેન્ડર કાર્ડ છે તેટલા 206 લોકોને બેસવા માટેની પરમિશન આપવામાં આવી હતી. 375 જેટલા પાથરણાંવાળા ગેરકાયદેસર રીતે બેસતા હોવાથી તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જે પણ ગેરકાયદેસર રીતે પાથરણાવાળા બેસતા હશે, તેઓને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે.

અનેક વખત રજૂઆતો છતાં કાર્યવાહી કરી નથી
લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી 1500થી 2000 જેટલા પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. વાહનોની અવર-જવરની સાથે લોકોને પણ ખૂબ જ તકલીફ પડતી હતી. જેને લઈને અનેક વખત રજૂઆતો છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવા માટેની પરમિશન હોવાથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાંવાળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદેસર રીતે બેસતા લોકોને દૂર કર્યા
ભદ્ર મંદિરથી પ્રેમાભાઈ હોલ અને પ્રેમાભાઈ હોલથી ત્રણ દરવાજા સુધી એમ સેવા સંસ્થાના 372 અને સેલો સંસ્થાના 472 એમ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવાની પરમિશન છે. આજે ચેકિંગ દરમિયાન સેવા સંસ્થાના 116 અને સેલો સંસ્થાના 103 એરીયાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 206 ફેરિયાઓ પાસેથી કાર્ડ મળી આવ્યા હતા, જેમને બેસવાની પરમિશન આપવામાં આવી હતી. બાકીના ગેરકાયદેસર રીતે બેસતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવેથી જો વધારાના ફેરિયાઓ બેસે તો તેમને ત્યાંથી દૂર કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Previous Post Next Post