પાટનગર ગાંધીનગરમાં 4 હથિયાર અને 236 કારતૂસ ભરેલી કાર ઝડપાતાં ખળભળાટ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો | In the capital Gandhinagar, a car full of 4 weapons and 236 cartridges was seized, the police started a flurry of investigation. | Times Of Ahmedabad

ગાંધીનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર રાઈફળના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર, કાર્ટિજ વગેરે મુદ્દામાલ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે. કારમાંથી કુલ 4 હથિયાર અને 236 કારતૂસ મળી આવી છે.

રાજયના પાટનગર ગાંધીનગરમાં વડાપ્રધાનના આગમન ટાણે હથિયારો અને કારતૂસ બિનવારસી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી મેના રોજ ગાંધીનગર આવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ અગાઉ હથિયારોનો જંગી જથ્થો ઝડપાતા પોલીસની ચિંતા વધી છે. સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ 7 મેના રોજ રાત્રે આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી અને પરેશભાઈએ ધ્યાન દોરતાં સિક્યુરિટી સ્ટાફે બેઝમેન્ટમાં તપાસ કરી હતી. જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા.

તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા હતા. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક 65 એમએમ કાર્ટિજ 25 નંગ મળી આવ્યાં હતા. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, દેશી બનાવટના તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્ટલના કાર્ટિજ વગેરે મળી આવ્યાં હતા. પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આંખો ફાટી જાય તેવો હથિયારોનો જથ્થો નજરે પડ્યો હતો. ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી.

આ સાથે પોલીસે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડીને ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલી કાર્ટિજમાંથી ઘણી બધી બ્લેન્ક હોવાના કારણે ગુનાઈત પ્રવૃત્તિમાં આ હથિયારોનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે.

નોંધનીય છે કે, હથિયારોનો જંગી જથ્થો ગાંધીનગર કેવી રીતે પહોંચ્યો તેની તપાસમાં પોલીસ હાલમાં લાગેલ છે. ઉક્ત સ્થળે પોલીસે કારની તપાસ કરતાં હથિયારો અને કારતૂસનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 57 નંગ, બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 50 નંગ, રિવોલ્વર પોઈન્ટ 38 એમએમ કાર્ટિજ 18 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ 7 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ નંગ 7, રિવોલ્વરના પોઈન્ટ 7.65 એમએમ કાર્ટિજ નંગ 75, રિવોલ્વર પોઈન્ટ 32 એમએમ બ્લેન્ક કાર્ટિજ બે નંગ, પિસ્ટલના 9એમએમના બ્લેન્ક કાર્ટિજ 27, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પ્સ્ટલ, દેશી બનાવટની લાકડાવાળી પિસ્ટલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્ટલના 3 ખાલી મેગેઝિન, 4 પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે. હથિયારો અને કારતૂસનો આ જથ્થો ગાંધીનગર શા માટે પહોંચ્યો તે પ્રશ્ન પોલીસને હાલમાં સતાવી રહ્યો છે.

Previous Post Next Post