ભાવનગર11 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં એપ્રિલ મહિના દ્વારા માવઠાના કારણે ગરમીમાં રાહત રહી હતી. પરંતુ, હવે મેં મહિનામાં ઉનાળાએ હવે અસલ રંગ દેખાડતા રાજ્યભરમાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે ભાવનગરમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી આગઝરતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાવનગર શહેરમાં દરરોજ મહત્તમ તાપમાનમાં એકથી દોઢ ડીગ્રી જેવો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ગત રોજ શહેરનું તાપમાન 41 ડીગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ આજે પણ પ્રાતઃ કાળથી સૂર્યનારાયણ આકરાં મૂડમાં જોવા મળ્યાં હતાં અને આજે 42.3° ડીગ્રી તાપમાન સાથે આ સિઝનનુ સૌથી ઉંચુ તાપમાન નોંધાયું છે ત્યારે આગામી રવિવાર સુધી ગરમી-તાપથી કોઈ જ રાહત મળવાની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
કુદરતે સંચારબંધી કરી હોય એવું લાગે
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે રવિવાર સુધીમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને પાર થાય તો પણ નવાઈ નહીં !! છેલ્લા બે દિવસથી બપોરે કુદરતે સંચારબંધી કરી હોય એવું લાગે છે રસ્તાઓ સુમસામ ભાસે છે લોકો બપોરે ઘર-ઓફિસમાં જ પુરાઈ રહેવામાં શાણપણ માની રહ્યા છે અને સાંજે પણ વાતાવરણ ની સ્થિતિ સમ-સાધારણ રહે છે પવનની ઝડપ સાવ ઘટી જતાં સૂર્યાસ્ત બાદ પણ લૂ નો અનુભવ મોડે સુધી થાય છે.