યાંત્રિક હોડીના ડીઝલ પર વેરો ઘટાડવા સરકારે રૂ.443 કરોડ ફાળવ્યા, મંત્રી પટેલે માછીમારોને યોજનાકીય લાભ આપવા તાકીદ કરી | Govt allocates Rs 443 crore to reduce tax on diesel for mechanized boats, Minister Patel urges scheme benefits to fishermen | Times Of Ahmedabad

અમદાવાદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર ખાતે કૃષિ અને પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, સરકારે મત્સ્યોદ્યોગ વિભાગ માટે ચાલુ વર્ષના નાણાકીય બજેટમાં 61 ટકાના વધારા સાથે કુલ રૂ.1418 કરોડથી વધુની જોગવાઈ કરી છે. યાંત્રિક હોડીમાં વપરાતા હાઈ સ્પીડ ડીઝલ ઓઈલ પર વેરા રાહત માટે જ રાજ્ય સરકારે રૂ.443 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે રૂ.155 કરોડની જોગવાઈ કરી છે. તેવું જણાવ્યું હતું અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટેની પ્રત્યેક યોજનાના લાભ દરેક માછીમાર ભાઈ-બહેન સુધી પહોંચાડવા સૌ અધિકારીઓને તાકીદ કરી હતી.

આયોજન અંગે મંત્રીને માહિતગાર કર્યા
આ બેઠકમાં મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિભાગ દ્વારા થતી વિશેષ કામગીરી, માછીમારો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી, સિદ્ધિઓ અને આગામી વર્ષના આયોજન અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાંથી ઉપસ્થિત મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓ દ્વારા તેમના જિલ્લામાં વિવિધ યોજનાના અમલીકરણ સંબંધિત કેટલાક પ્રશ્નો રજૂ કરી તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

મત્સ્યોદ્યોગ વિભાગ સતત પ્રયત્નશીલ છે
આ પ્રસંગે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે વિભાગના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો માછીમાર ભાઈઓ-બહેનોનું જીવન ધોરણ ઊંચું લાવવા રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભ તેમના સુધી સત્વરે પહોંચાડવા માટે મત્સ્યોદ્યોગ વિભાગ સતત પ્રયત્નશીલ છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે લાભ મળી રહે તે માટે વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓએ ટીમ સ્પીરીટ સાથે કામ કરવું જરૂરી છે.