વિધાનસભાના વિજેતા ઉમેદવારોએ 49 કરોડથી વધુનો ખર્ચ કર્યો! સૌથી વધુ ખર્ચ કરનાર ભાજપના ત્રણ ઉમેદવારો | All the winning candidates of Gujarat spent more than 49 crores in assembly elections 2022 | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar

ફાઈલ તસવીર.

લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 78 પ્રમાણે ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક મહિનામાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવાની હોય છે. નિયમો અનુસાર ગુજરાતમા વિધાનસભાના ઉમેદવાર 40 લાખ સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકે છે. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર એટલે કે વર્તમાન ધારાસભ્યો દ્વારા કરાયેલ ચૂંટણી ખર્ચનું વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના 17 ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 24.92 લાખ
જે મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યો પૈકી 23 ધારાસભ્યોએ ખર્ચ મર્યાદાની રકમના 50 ટકાથી પણ ઓછો ખર્ચ કર્યો હોવાનુ દર્શાવ્યું છે. તમામ ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 27.10 લાખ થાય છે. ભાજપના 156 ધરાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 27.94 લાખ થાય છે. કોંગ્રેસના 17 ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 24.92 લાખ થાય છે. આમ આદમી પાર્ટીના 05 ધારસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ 15.63 લાખ થાય છે. સમાજવાદી પાર્ટીના 01 ધારસભ્યનો ખર્ચ 6.87 લાખ છે. જ્યારે 03 અપક્ષ ધરસભ્યનો ચૂંટણી ખર્ચ 21.59 લાખ દર્શાવાયો છે.

સૌથી વધુ ખર્ચ ભાજપાના ધારાસભ્યોનો
સૌથી વધુ ખર્ચ દર્શાવનારા ત્રણ ધારાસભ્ય ભાજપના છે. જેમાં ડો.જયરામ ગામીત, જેઓ નિઝરથી ધારાસભ્ય છે. તેમણે 38 લાખ ખર્ચ બતાવ્યો છે. કલોલથી ધારાસભ્ય લક્ષ્મણ ઠાકોરે 37 લાખ ખર્ચ બતાવ્યો છે. જ્યારે ત્રીજા નંબરે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ 36 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે.​​​​​​​

સૌથી ઓછો ખર્ચ દર્શાવનાર કુતિયાણાના ધારાસભ્ય
સૌથી ઓછો ચૂંટણી ખર્ચ દર્શાવનાર ધારાસભ્યોમાં સમાજવાદી પાર્ટીથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 06 લાખ રૂપિયા ખર્ચ દર્શાવ્યો છે. આંકલાવથી કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ 09 લાખ રૂપિયા ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે. જ્યારે બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નારણ મકવાણાએ 09 લાખનો ચૂંટણી ખર્ચ દર્શાવ્યો છે.​​​​​​​

8 ધારાસભ્યોનો પોતાના પૈસા ખર્ચ કર્યાનો ઇનકાર
182 ધરાસભ્યોમાંથી 174 ધારાસભ્યોએ દર્શાવ્યું છે કે, તેમણે પોતાના પૈસા ચૂંટણીમાં ખર્ચ્યા છે. જ્યારે 08 ધારાસભ્યોએ પોતાના પૈસા ખર્ચ કર્યા હોવાનો ઇનકાર કર્યો છે. ધારાસભ્યોએ ચૂંટણી ખર્ચ માટે દાન, કંપની કે વ્યક્તિઓ પાસેથી લીધેલો ફાળો 5-6 ટકા જેટલો જ દર્શાવ્યો છે. ​​​​​​​

ઘણી વિગતો અધૂરી, છતા કોઈ પગલા નહીં
જો કે, ADRએ નોંધ્યું છે કે, ચૂંટણી વખતે થતી રેલીઓ, સભાઓ, પ્રચાર-પ્રસાર અને અન્ય રીતે જે ખર્ચ કરવામાં આવે છે, તે અને ધારાસભ્યોએ દર્શાવેલ ખર્ચમાં મોટો તફાવત છે. પરંતુ ચૂંટણીમાં ઉમેદવારોના પક્ષ દ્વારા થતી જનરલ ખર્ચની વિગત આપવાની થતી ન હોવાથી સાચો ખર્ચ જાણી શકાતો નથી. વળી ખર્ચની વિગતો સમયસર રજૂ થતી નથી, ઘણી વિગતો અધૂરી હોય છે. તેમ છત્તા કોઈ પગલાં લેવામાં આવતા નથી.​​​​​​​

પિટિશન દાખલ કરવાની મુદ્દત લંબાવવી જોઈએ
ADRએ માંગ કરી છે કે, વિગતો પરિણામ જાહેર થયાના 30 દિવસમાં રજૂ કરવાની હોય છે. જ્યારે ઇલેક્શન પિટિશન દાખલ કરવાની મુદ્દત 45 દિવસની હોય છે, તેને લંબાવવી જોઈએ. જેથી કરીને કોઈ નાગરિકને ખર્ચની વિગતનો અભ્યાસ કરીને તે અંગે ઇલેક્શન પિટિશન દાખલ કરવી હોય તો કરી શકે.