બનાવટી ચલણી નોટ પ્રકરણમાં પોલીસે બિહારથી વધુ એક આરોપીની ધરપકડ કરી, અત્યાર સુધી 5 ઝડપાયા | Police arrested one more accused from Bihar in fake currency note case, 5 arrested so far | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
નકલી ચલણી નોટ પ્રકરણમાં પોલીસે બિહારથી વધુ એક આરોપીને ઝડપી પાડયો - Divya Bhaskar

નકલી ચલણી નોટ પ્રકરણમાં પોલીસે બિહારથી વધુ એક આરોપીને ઝડપી પાડયો

સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપાયેલા ડુપ્લીકેટ ચલણી નોટ પ્રકરણમાં પોલીસે એક પછી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ પ્રકરણમાં બિહારથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અત્યાર સુધી પોલીસે 5આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરતના અમરોલી હાઉસિંગ બોર્ડમાં કેસરિયા હનુમાનદાદાના મંદિર પાસે એક જાગૃત નાગરિકે 14મીએ રાત્રે એક વ્યક્તિ 500ના દરની નકલી નોટ સાથે પકડી અમરોલી પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે કાંતિલાલ ભંવરલાલ મેવાડાને પકડી તેની પાસેથી 500ના દરની 32નોટ કબજે લઇ તેની સાથે સંકળાયેલા તેના પિતરાઇ ભાઈ વિષ્ણુ મેવાડા (રહે. ભટાર)ને પણ બનાવટી ચલણી નોટ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આ નોટ તેને કર્ણાટકના બેંગ્લોરનો માઇકલ રાઇવન ઉર્ફે રાહુલ પાસ્કલ ફર્નાન્ડિઝ આપતો હોઇ પોલીસે તેનો ગ્રાહક બની સંપર્ક કર્યો હતો. અગાઉ ઝડપાયેલો વિષ્ણુ મેવાડા જે સ્થળે રોકાઇને ડિલિવરી લેતો હતો તે જ સ્થળે અમરોલી પોલીસ રોકાઇ હતી અને માઇકલને ઝડપી લીધો હતો. તેના ઘરમાંથી વધુ 4.89 લાખની કિંમતની 978 નંગ નકલી નોટ મળી આવી હતી. આ ઘટનામાં સુરત પોલીસ કમિશ્નરે ગંભીરતાથી તપાસ થાય તે માટે એસઓજી પોલીસને પણ તપાસમાં જોડી હતી

દરમ્યાન ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીને આ ડુપ્લીકેટ ચલણી નોટ બજારમાં ફરતી કરવા માટે તામિલનાડુ ચેન્નાઈ ખાતે રહેતો વ્યક્તિ આપતો હોવાની માહિતી બહાર આવી હતી જેથી સુરત પોલીસે તે આરોપીને ઝડપી પાડવા માટે “Operation Chennai” હાથ ધર્યું હતું. અને એક ટીમ ચેન્નાઈ રવાના થઇ હતી. દરમ્યાન ત્યાની સ્થાનિક પોલીસની મદદ લેવાઈ હતી સુરત પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈને ગત 21-04-2023 ના રોજ વહેલી સવારે આરોપી સુર્યા સેલ્વારાજને ઊંઘતો જ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતા બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાનુ મીની કારખાનુ મળી આવતા સ્થાનીક પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેના ઘરમાંથી 17 લાખની કિમતની બનાવટી ચલણી નોટ ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ સ્ટેમ્પ પેપર નંગ-23,070, ત્રણ કલર પ્રિંટર, કટર મશીન નંગ-3, લેમીનેશન અને હિટીંગ મશીન, વોટર માર્કર, સિક્યુરીટી થ્રેડ નંગ-70, સિક્યુરીટી થ્રેડ ફીટ કરેલ ચાઈના કાગળ નંગ-20 વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપી સૂર્ય સેલ્વારાજની પૂછપરછમાં બનાવટી ચલણી નોટ બનાવવા માટેનું રો મટીરીયલ બિહાર ખાતે રહેતો મુકેશ સુરેશસિંગ નામનો ઇસમ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની એક ટીમ બિહાર ખાતે ગયી હતી અને ત્યાંથી મુકેશકુમાર સુરેશસિંગને ઝડપી પાડ્યો હતો.

પોલીસે મુકેશ સુરેશસિંગની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી તેના વતન ગામ ખાતે પેપર ડીશ અને કપ બનાવવાનો વ્યવસાય કરતો હોય અને આજથી આઠેક મહિના પહેલા તે ચેન્નાઈ મુકામે ફરવા માટે ગયો હતો તે વખતે આરોપી સુર્યા સેલ્વારાજ સાથે મુલાકાત થતા મિત્રતા થઈ હતી અને સુર્યા સેલ્વારાજે આરોપી મુકેશ સુરેશસિંગને પેપર ડીશ ધંધો કરતો હોય જેથી કાગળ પારખવાનો અનુભવ હોવાથી ચલણી નોટોમાં વપરાય એવા કાગળનો પ્રબંધ કરી આપવા જણાવતા આરોપી મુકેશ સુરેશસિંગે આરોપી સુર્યા સેલ્વારાજને થ્રેડ વાળા અને ગાંધીજીના વોટર માર્ક વાળા પેપેર સપ્લાય કરવાનું શરુ કર્યું હતું અને ત્યારબાદ ચલણી નોટો વપરાતી ઇન્ક અને કોઈલ પણ મંગાવી સુર્યા સેલ્વરાજને સપ્લાય કરતો હોવાનું અને આ રો મટીરીયલ સપ્લાય કરવામાં પોતે આર્થિક ફાયદો મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. સુરત પોલીસે આરોપીને બિહાર સ્થાનિક કોર્ટમાં રજુ કરી ટ્રાન્જીસ્ટ રિમાન્ડ આધારે સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત કોર્ટમાં રજુ કરી એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.