જામનગર2 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 15 જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી, ઘરે-ઘરે નળ કનેકશન પણ અપાયા
લાલપુર તાલુકાના 1160ની વસ્તી ધરાવતા નવાગામમાં રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગ્રામજનોને આવાગમન કરવામાં મુશ્કેલી નો સામનો કરવો ન પડે તે માટે રૂ.2.50 લાખના ખર્ચે 50 સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે. તેમ ગામના સરપંચ હરેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે રૂ. 9 લાખથી વધુના ખર્ચે ગામની મુખ્ય બજાર અને અલગ અલગ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવામાં આવ્યાં છે.
રૂ. 19 લાખના ખર્ચે સરકારની વાસ્મો યોજના અંતર્ગત ઘરે ઘરે નળ કનેક્શન, પાણીની પાઇપલાઇન અને બોર બનાવવામાં આવ્યા છે. ગામમાં પાણીની તંગી ન સર્જાય તે માટે પાણીના બે સમ્પ બનાવવામાં આવ્યા છે. એકની ક્ષમતા એક લાખ તો બીજાની 60,000 લીટરની છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અલગ અલગ 15 જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી છે. ગામમાં જુદા-જુદા સ્થળો પર 40 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે.
યોજનાની જાણકારી માટે 900 ગામના લોકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું
ગામમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિને લઈને 900 લોકોનું વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગામના હીત અને સરકારી યોજનાની જાણકારી આપવામાં આવે છે. આથી ગામના દરેક લોકોને એક જ સમયે ઘરે બેઠા સરળતાથી જાણ થાય તે માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર બનાવાશે
ગામના લોકોને પ્રાથમિક સારવાર હેતુ લાલપુર કે અન્ય ગામ જવું ન પડે તે માટે ગામમાં સમયાંતરે આરોગ્ય કેમ્પ તો કરવામાં આવે છે. પરંતુ પ્રાથમિક સારવાર માટે હવે બહાર જવું ન પડે તે માટે આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર બનાવવામાં આવશે. જેની મંજૂરી મળી ચૂકી છે. ગામમાં ચોરી જેવા બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. તેમજ જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાકી છે ત્યાં પૂર્ણ કરવામાં આવશે.
ગામમાં કટારીયા દાદાના મંદિરે પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે
નવાગામમાં કટારીયા દાદા નુ મંદિર આવેલું છે. જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ઉપરાંત અહીં ગામની દરેક ગાય અને અન્ય પશુઓની બીમારીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. આથી ગામનું કટારીયા મંદિર જાણીતું છે.