ગુજરાતનું એક એવુ નગર જેમાં 50 % મકાનોમાં દસ્તાવેજ હોવા છતાં એ મકાનમાં રહી શકો, પણ કોઇને વેચી ન શકો | Let's talk..... a town in Gujarat, in which 50% of the houses have documents, you can live in them, but you can't sell them to anyone. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતનું સૌથી છેવાડે આવેલુ અને નગરપાલિકાનું અસ્તિત્વ ધરાવતા પાટડી નગરમાં કુલ 7305 મકાનોમાંથી 3486 મકાનોના જ પ્રોપર્ટી કાર્ડ છે. અને 10 %થી વધુ મકાનો એવા છે કે, એ મિલ્કત સીટી સર્વેમાં ચઢેલી જ નથી અને બાકીના અંદાજે 3 હજાર જેટલા મકાનો K-1માં આવી ગયા છે. એટલે કે કબ્જેદાર તરીકે તમે એ મકાનમાં રહી શકો, પણ કોઇને વેચી ન શકો. એ જ રીતે પાટડી નગરપાલિકાના તાબામાં આવતા હિંમતપુરા અને નારણપુરા એ બે ગામો એવા છે કે, જેનુ તળીયું સરકારી માલિકીનું હોવાથી ટેક્ષ ભરવા છતાં ગ્રામજનોને આજ દિન સુધી આવાસ યોજનાનો કોઇને લાભ મળ્યો નથી.

રાજા રજવાડાના સમયમાં રાવળાહક્કની જમીન હતી. અને તેમાં K-1 એટલે તમે એ મિલ્કતના કબ્જેદાર ગણાવો પણ માલિકીહક્ક ન ગણાય. આ મિલ્કતમાંથી K-1 પ્રકાર દૂર થાય એ પછી જ તમારો એ મિલ્કત પર માલિકી હક્ક ગણાય. પછી જ તમે એ મિલ્કત વેચી શકો અત્યારે તમે એ મિલ્કતના દસ્તાવેજ હોવા છતાં ફક્ત કબ્જેદાર જ ગણાવો. બીજીબાજુ પાટડી નગર અને આજુબાજુના પાંચ સાત ગામોની ખેતીની જમીનમાં ગણોતધારાની સત્તા પ્રકાર કલમ 192, 193 છે. આવી સત્તા પ્રકારની કેટલીક જમીનો છે. જેના 7/12માં જૂની શરત લખેલી હતી. તે જમીનો વેચાણ કરતા પ્રિમીયમ ભરવાનું ન હતુ. પરંતુ છેલ્લા 7-8 વર્ષ અગાઉ રેવન્યુ વિભાગના અધિકારીઓ દ્વારા નવી શરતનું અર્થઘટન કરી સત્તા પ્રકાર 192, 193 વાળી તમામ ખેતીની જમીનોને નવી શરતની જ ગણીને પ્રિમીયમ પાત્ર કરી દેતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. આ બાબતે પાટડી સહિતના ભાજપના આગેવાનો દ્વારા છેલ્લા 7-8 વર્ષથી સરકારમાં આ જમીનોને જૂની શરતની ગણવામાં આવે તેવી રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. ત્યારે હાલ જંત્રીમાં વધારો થતાં કેટલીક જમીનોની કિંમત કરતા પ્રિમીયમની કિંમત વધુ થતી હોવાનો ઘાટ સર્જાતા આવી જમીનો કોઇ ખરીદવા તૈયાર નથી. તો બીજી તરફ ખેતીથી ખેતીની જમીનમાં પણ અનેક ઘણું ખર્ચ થતું હોઇ ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.

અડધું ગામ મકાનોનું કબ્જેદાર ખરૂ, પણ દસ્તાવેજ હોવા છતાં પોતાનું મક‍ાન કોઇને વેચી ના શકે
પાટડીની રહેણાંક તેમજ કોર્મશિયલ મિલ્કતો કે જેઓએ 50 વર્ષથી વેચાણ દસ્તાવેજથી રાખેલી છે. તેવી અનેક મિલ્કતો સીટી સર્વેના રજીસ્ટરમાં સત્તા પ્રકાર K અને K-1 દાખલ કરેલી છે.જેનું અર્થઘટન એવું થાય છે કે, મિલ્કત ધારક માલિક નહીં પરંતુ કબ્જેદાર ગણાય. આ સત્તા પ્રકાર K અને K-1 દૂર કરવા માટે સરકારમાં રજૂઆત કર્યા બાદ આવી મિલ્કત ધારકો પાસેથી પુરાવા સાથે અરજી મંગાવ્યાને આજે દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં એક પણ મિલ્કત ધારકનું નિરાકરણ આવ્યું નથી.

નારણપુરા અને હિંમતપુરા ગ્રામજનોને આજ દિન સુધી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી
પાટડી તાલુકાના હિંમતપુરા અને નારણપુરા ગામમાં 381 મિલ્કતોમાં તમામ અગરિયા અને મીઠા કામદારો 100 વર્ષથી રહે છે. આ બંને ગામના તળીયાની માલિકી સરકારની હોવાથી આ ગામના એકપણ રહીશોને પાટડી નગરપાલિકામાં ટેક્ષ ભરવા છતાં આવાસ યોજનાનો લાભ આજ દિન સુધી મળ્યો નથી. આ બાબતે સરકારમાં અનેકો રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી.

Previous Post Next Post