સુરત30 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યુ છે. શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે. 6 જેટલા નમૂના ફેલ થયા છે. આ સાથે જ 40 કીલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસર પગલા ભરાશે
આ તમામ સામે હવે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસર પગલા ભરવામાં આવશે. સુરતીઓએ બહારનું ખાવાનો ચટકો ઓછો કરીને આવા બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેંચનારાથી ચેતવા જેવુ છે. જે પિત્ઝા સેન્ટરોના ચીઝ અને માયોનીઝના સેમ્પલો ફેઇલ ગયા છે તેમાં ડેન્સ પિત્ઝા સહિતનાનો સમાવેશ થાય છે.
મે મહિનામાં નમૂના લેવાયા હતા
ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી મે મહિનામાં વિવિધ વાનગીઓની બનાવવામાં વપરાતા ચીઝ અને માયોનીઝનાં નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ-06 નમુનાઓ ધારા ધોરણ મુજબના માલુમ પડ્યાનથી. જેથી આ 6 સંસ્થા સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે. આ સંસ્થાઓમાંથી આશરે 40 કીલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા
- સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ
- દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર
- પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ
- ડેન્સ પિઝા, અડાજણ
- ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ
- જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)