રાજકોટના એન્જિનિયરે બનાવ્યા એન્ટી બેક્ટેરિયલ રંગ, 6 કલાકમાં સુકાઈ જાય, ગરમીમાં AC વિના શીતળતાનો અનુભવ | Rajkot engineer made anti bacterial wall paint, dries in 6 hours, feel cool in summer without AC | Times Of Ahmedabad

રાજકોટ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌપ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – ગૌ-ટેક 2023નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગોબરધન અને પશુધન માટે અને એમના નકામા કચરામાંથી તૈયાર કરાયેલાં સંશોધનો આશ્ચર્યચકિત કરી દે એવાં છે. આવું જ એક ઉત્પાદન છે, ગોબરધનમાંથી તૈયાર કરાયેલો પ્રાકૃતિક પેઈન્ટ. રાજકોટના એન્જિનિયર આશિષ વોરાએ બનાવેલો આ પેઇન્ટ ઈકોફ્રેન્ડલી, એન્ટી બેક્ટેરિયલ, ગરમી પ્રતિરોધક અને ઝેરી રસાયણોમુક્ત હોવા છતાં કિંમતમાં અન્ય પેઇન્ટ કરતાં ઘણો સસ્તો છે.

ગોબરમાંથી પેઈન્ટ બનાવવાની તાલીમ લીધી
શિવરાજગઢ ગામના યુવા એન્જિનિયર આશિષ વોરાએ જણાવ્યું હતું કે ઘણા બધા યંગસ્ટર્સ અથવા યુવા મિત્રો ગાય-ભેંસના ગોબરથી દૂર ભાગતા હોય છે, પણ એમાં રહેલી ઊર્જા ખૂબ જ અદભુત હોય છે. આપણા દેશમાં દરેક ગામડામાં એક ગૌ સંસ્થા હોય જ છે. એની સાથે મળીને યુવાનો રિસર્ચ કરે તો ગોબર ઈકોનોમીને ગ્લોબલ ઈકોનોમી તરીકે વિકસિત કરવાની પૂરી સંભાવના છે. દૂધ ન આપતાં પશુઓને કતલખાને મોકલવાને બદલે તેના ગોબરનો ઉપયોગ કરીને એ પશુઓને એક નવું જીવન આપી શકાય છે. ગોબરમાંથી આ પેઈન્ટ બનાવવાની તાલીમ એક વર્ષ પહેલાં મેં ખાદી ઇન્ડિયા તરફથી જયપુર ખાતે મેળવી હતી.

લિટરનો ભાવ રૂ.266
તેમણે વધુમાં જણાવ્યું કે પાંચ દિવસની આ ટ્રેનિંગમાં ગોબરમાંથી પેઈન્ટ કેવી રીતે બનાવવો એ શીખ્યો છું. પછી PM મોદીની પરિકલ્પના મુજબની દેશને જોબ સિકર નહીં, પરંતુ જોબ ગિવરની જરૂરિયાતને મેં મારી પ્રાથમિકતા બનાવી હતી અને માત્ર રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રાકૃતિક પેઈન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. મારા આ સ્ટાર્ટઅપને નિરાલી પેઈન્ટ્સ નામ આપ્યું છે. હાલ મારો પ્લાન્ટ પ્રોડક્શનની દૃષ્ટિએ નાનો છે, એ કારણે છાણમાંથી પ્રતિ દિવસ 200 લિટર પેઈન્ટ બનાવી શકીએ છીએ. આ પેઇન્ટના એક લિટરનો ભાવ રૂ.266 છે.

એક ટકા રકમ ગૌધનના નિભાવમાં જશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા ખેતરમાં 10 ગાય રાખી છે, જેનું ભરણપોષણ અમે જ કરીએ છીએ અને એના ગોબરમાંથી જ અમે પેઇન્ટનું ઉત્પાદન કરીએ છીએ. ક્યારેક ગોબર ઘટે તો આસપાસની ગૌશાળામાંથી ગોબરની ખરીદી કરીને ઉત્પાદન ચાલુ રાખવામાં આવે છે. ગોબરનો ભાવ નક્કી કરવાથી ગૌશાળાઓને પણ નિશ્ચિત આવક થઈ શકે, જેનો ઉપયોગ ગાયોના નિભાવ માટે કરી શકાય છે. અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે હાલ અમે એક ટકા રકમ ગૌધનના નિભાવ માટે આપીએ છીએ. ભવિષ્યમાં આ રકમમાં અમે વધારો કરીશું.

ગોબર લીંપણ કરવાની જૂની પરંપરાથી પ્રેરિત
લોકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે અન્ય રંગોની સરખામણીએ આ રંગો ઈકોફ્રેન્ડલી, એન્ટી બેક્ટેરિયલ, ગરમી પ્રતિરોધક, ઝેરી રસાયણો વગરનો અને વાજબી કિંમતે મળે છે એનો ઉપયોગ કરીને ગૌધનની જાળવણી કરવી જોઈએ. એક અંદાજ મુજબ દેશમાં રંગોનું માર્કેટ 60 હજાર કરોડનું છે, ત્યારે હાલ પ્રાકૃતિક રંગોનું માર્કેટ 2% કરવાનો પ્રયાસ છે. ઈકો ફ્રેન્ડલી “ખાદી પ્રાકૃતિક કલર” એ દીવાલો (અંદર-બહાર)અને ફલોર (ભોંયતળિયા)ને ગાયના ગોબરથી લીંપણ કરવાની જૂની ભારતીય પરંપરાથી પ્રેરિત એક નવી પહેલ છે. પ્રાચીન કાળથી પ્રચલિત જૂની પદ્ધતિઓને આધુનિક ઉત્પાદનોમાં પુનઃનિર્માણ કરીને પ્રાકૃતિક કલર બનાવ્યો છે.

આ પ્રકારે તૈયાર થાય છે
આ કલરનો મુખ્ય ઘટક ગાયનું ગોબર છે, જેમાંથી ગાયના ગોબરને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરીને ડિસ્ટેમ્પર અને ઈમલ્સન કલર તૈયાર કરવામાં આવે છે. દીવાલ માટે એક આદર્શ રક્ષણાત્મક કવચ તૈયાર કરે છે. આ કલર પાણીથી ધોવાલાયક (Washable), પાણી અવરોધક (WaterProof), અને ટકાઉ (Durable) છે અને દીવાલ પર લગાવ્યા પછી ફકત 5થી 6 કલાકમાં સુકાઈ જાય છે. પસંદગી પ્રમાણેનો કલર કોમ્બિનેશન મુજબ વિક્સિત કરેલો આ પ્રાકૃતિક કલર KVIC (ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ) અને નેશનલ ટેસ્ટ હાઉસ-મુંબઈ, શ્રીરામ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ન્યૂ દિલ્હી અને નેશનલ ટેસ્ટ હાઉસ, ગારિયાબાદ જેવી નામાંતિક અને સ્ટાન્ડર્ડ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.