મોરબી4 મિનિટ પહેલા
- કૉપી લિંક
વાંકાનેર ખાતે પરિણીતાને આપઘાત કરવા માટે મજબૂર કર્યાના કેસમાં મોરબી સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પરિણીતાના પતિને સાત વર્ષની કેદ અને રોકડ રૂપિયાની દંડની સજા ફટકારી છે. બીજા બનાવમાં જેતપર રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં કારખાનાની ખીણમાં પડી જવાથી શ્રમિકનું મોત નીપજ્ય હતું.
બનાવની મળતી વિગત મુજબ સુરત ખાતે રહેતા મુકેશભાઈ પ્રભુદાસભાઈ ગણાત્રા તેમના બનેવી અને બનેવીના પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નીતાબેનના લગ્ન વાંકાનેર ખાતે રહેતા રાજેશભાઈ ચુનીભાઈ રાજવીર સાથે ત્રીસ વર્ષ પેહલા લગ્ન થયા હતા. લગ્ન બાદ નીતાબેન તેમના પતિ રાજેશભાઈ રાજવીર, જેઠ રસિકભાઈ રાજવીર, જેઠાણી જસ્મીનાબેન રાજવીર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. એક વર્ષ સુધી નીતાબેનનો ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ તેમને ઘર કામ બાબતે મેણાં-ટોણાં મારવામાં આવતા હતા. એટલું જ નહીં તેમના પતિ,જેઠ અને જેઠાણી તેમને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હતા અને અવારનવાર મારકૂટ કરી તેમના સાસરીયે મુકી આવતા હતા. અનેક વાર એવા પ્રસંગો બન્યા હતા જ્યાં નીતાબેનના પતિ રાજેશ અને તેમના જેઠ દ્વારા નાની-નાની બાબતે ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેટલી વાર પણ તેઓની વચ્ચે ઝઘડો થતો એટલે વાર નીતાબેનને પિયરમાં પહેરેલ કપડે મોકલી દેવામાં હતા. એકવાર પરિણતા ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો પછી સમાધાન પણ થયું હતું. પણ પછી પરિણતાને ત્રાસ આપતા હતા અને પરિણતાનો પતિ અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ પણ ધરાવતા હતા.
જેમાં પરણિતાએ કંટાળીને વર્ષ 2015માં આપઘાત કર્યો હતો અને સુસાઈડ નોટ પણ લખી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી હતી.નોંધનીય છે કે આ કેસ ચાલતો હતો એ દરમિયાન રસિકભાઈનું અવસાન થયું હતું. તેથી કોર્ટે તેમને એબેટ જાહેર કર્યા હતા. આ ઉપરાંત શંકા નો લાભ આપીને જસ્મીનાબેન અને પૂજાબેનને છોડી મૂકવામાં આવ્યા હતા.જ્યારે કોર્ટે પતિ રાજેશભાઈને ગુનેગાર ઠેરવીને આઈપીસીની કલમ 306 મુજબ 7 વર્ષની કેદ અને રૂ.50,000નો દંડ અથવા જો તેઓ દંડ ન ભરે તો 24 માસની કેદની સજા ફટકારી હતી. એટલું જ નહીં આઈપીસીની કલમ 498 (ક) મુજબ ત્રણ વર્ષની કેદ અને રૂ. 25,000નો દંડ અને દંડ ન ભરે તો કુલ 12 માસની સાદી કેદની સજા આજે ફટકારી હતી.
બીજા બનાવમાં મળતી માહિતી મુજબ ભીલસિંગ વસુનીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનના ચાર વર્ષના દીકરા જીગ્નેશને તાવ આવતો હતો. જેથી બહેનના સાસુ બુધીબેને દવાખાને દવા લેવા માટે જવાનું કહેતા ભીલસિંગ બાઈક નબર લઈને તેમની બહેનના સાસુ બુધીબેન અને તેમની બહેનના દિકરા જીગ્નેશ સાથે જેતપર રોડ પર આવેલ પાવડીયારી પાસે દવાખાને દવા લઈને નાગડાવાસ તરફ પરત આવતા હતા.તે દરમિયાન પાવડીયારીથી જેતપર તરફ તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાવડીયારી બસ સ્ટોપથી આગળ લોરેન્સ સીરામીક પાસે પહોંચતા આરોપી ટ્રક ટેલર ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થયો હતો અને એકદમ કાવો મારતા તેણે ભીલસિંગના મોટરસાયકલને અડફેટે લેતા બુધીબેનને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તો ટ્રેલર ચાલક વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.
તો ત્રીજા બનાવામાં મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામાં રહીને કામ કરનાર શ્રમિક અનુપભાઈ રામસિંહ ગૌડ પોતાના કારખાનેથી મોરબી જવાનું કહીને નીકળ્યો હતો. જે બાદ મોરબી તાલુકા ઘુંટુ ગામની સીમ ન્યુલક્ષ પેપરમીલની સામેના ભાગે પથ્થરની ખાણમાં કોહવાયેલી અવસ્થામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે અંગે તાલુકા પોલીસ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં યુવાન અકસ્માતે ખાણમાં પડી જવાથી મોત થયું હતું અને આ અંગે વધુ તપાસ ચાલુ છે.