વલસાડ-ખેરગામના 7 મીટરના હયાત રસ્તા પર ગાબડા પુરવા અને તેના પર ડામરનું લેયર પાથરી આપવા માર્ગ મકાન વિભાગે ખાતરી આપી | The road building department assured to fill the gaps and lay asphalt layer on the existing 7 meter road of Valsad-Khergam. | Times Of Ahmedabad

વલસાડ6 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ શહેર અને નવસારી તાલુકાના ખેરગામ તાલુકાનો જોડતા માર્ગનું અટકેલું કામ શરૂ ન થાય તો નેશનલ હાઇવે નં. 48 ચક્કાજામ કરવાના અલ્ટીમેટમ આપ્યા બાદ વન વિભાગની કચેરીએ જઈ સરપંચોએ ભજન કીર્તન કરતા આખરે વલસાડ ખેરગામ રોડની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વૃક્ષો ન કપાય તો હયાત રોડ ઉપર રીકાર્પેટીંગ કરી આપવા માર્ગ મકાન વિભાગે ખાતરી આપતા સરપંચોએ નેશનલ હાઇવે નંબર 48 ચક્કાજામ કરવાનો મુલતવી રાખ્યું છે.

વલસાડ ખેરગામ તાલુકાનાં સરપંચો સહિત વિસ્તારના રાજકીય અને સામાજિક અગેવાનો સ્થાનિક ધારાસભ્યો તેમજ મંત્રીઓ પાસે માર્ગ બાબતે અનેકોવાર રજૂઆત કરી હતી. પરંતુ વનવિભાગની આડાઈને કારણે વલસાડ ખેરગામ રોડનું અટકેલું કામ શરૂ થઈ શકતું ન હતું. આખરે સેગવા ગામના બાબુભાઇ માંહ્યવંશીની આગેવાની હેઠળ 35 ગામોના સરપંચો તેમના સમર્થકો સાથે કલેકટરને લેખિત રજુઆત કરી 7 દિવસમાં કામ શરૂ નહીં થાય તો નેશનલ હાઇવે નં. 48ને ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી. સરપંચોએ આપેલ ચીમકી બાદ વહીવટી તંત્રના અધિકારીઓ સહીત રાજકીય પદાધિકારીઓ પણ દોડતા થયા હતા. ચીમકી આપ્યાંને 3 દિવસ વીતી ગયા બાદ પણ માર્ગની કામગીરી બાબતે હલન ચલન ન થતા રવિવારે સરપંચોએ કલવાડા ગામે મિટિંગ કરી હતી અને મિટિંગમાં આંદોલન માટેની રણનીતિ તૈયાર કરી હતી. જેના ભાગરૂપે ગતરોજ ગુંદલાવ હાઈવે ઉપર મોટી સંખ્યામાં એકત્ર થઈ ચણવઈ ગામે આવેલી વનવિભાગની કચેરીએ પહોંચી ભજનકીર્તન કર્યા હતાં. વનઅધિકારી યદુ ભારદ્વાજે પણ લોકોની સાચી તકલીફો સાંભળી જેમ બને તેમ વહેલી તકે ફોરેસ્ટ કલિયરન્સ અપાવવા બાંહેધરી આપી હતી.

ચોમાસા પહેલા રીકાર્પેટીંગ કરવાની ખાત્રી મળતાં આંદોલન મોકૂફ રખાયું
માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન. એન. પટેલ સમક્ષ સરપંચોએ ચોમાસા પહેલા રોડ ઉપર ખાડા પુરાઈ જાય અને રિકાર્પેટ કરવામાં આવે એવી માંગ કરતા તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ ગઈ છે અને ચોમાસા પહેલા હાલમાં જે હયાત સાડા 7 મીટરનો રોડ છે તેને રિકાર્પેટ કરી દેવામાં આવશે એવી ખાતરી આપી હતી. ફોરેસ્ટ ક્લિયરન્સની કામગીરી પૂર્ણ થતા દિવાળી પછી રોડ પહોલાઈનું કામ કરી દેવામાં આવશે એમ કહ્યું હતું.

તેમને ખાત્રીથી આગેવાનોને ચોમાસા પહેલા સારો રોડ મળવાની આશા બંધાઈ છે. હાલ અધિકારીની ખાતરીથી સરપંચોએ આંદોલન મોકૂફ રાખ્યું છે. પરંતુ રીકારપેટિંગ ન થાય તો નેશનલ હાઇવે નં. 48 ચક્કાજામ કરવાની વાત દોહરાવી હતી.