સાબરકાંઠા (હિંમતનગર)14 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કાવા નજીકથી ત્રણ દિવસ પહેલા ઇડર પોલીસે કારમાંથી 7.047 કિલો ગાંજા સાથે ચાલકને ઝડપી લીધો હતો. ત્યારબાદ SOG એ આરોપીને ઇડર કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ઇડર પોલીસે બાતમી આધારે માથાસુર નજીક વોચ કરતા બાતમી વાળી કાર આવતા ચાલકે પોલીસને જોઇ કાર પરત વાળીને વડાલી તરફ કાર લઈને ભાગ્યો હતો. ત્યારે તેનો પીછો કરી પોલીસે ઇડર કાવા નજીક કાર ઉભી રાખી ચાલક ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. CRV કાર HR-26-AT-3434 કારમાં તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકના કોથળાની અંદર પ્લાસ્ટીકની થેલી નંગ-4 માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો કુલ 7.047 કિલોગ્રામ કિંમત રૂપિયા 70,470નો રાજસ્થાનથી ગુજરાતમાં લાવીને મહેસાણાના વિસનગરમાં રહેતા મુનાફ ફકીરને આપવા જતા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના શીતળા માતાજીના મંદિર પાસે રહેતા શાહીમહમદ રફીકમહમદ શેખને ઝડપી લીધો હતો. પોલીસે બે પંચોની હાજરીમાં કાર્યવાહી કરી મોબાઈલ એક રૂ. 5 હજાર અને રૂ. 5 લાખની કાર મળી કુલ રૂ. 5,75,470નો મુદ્દામાલ કબજે લીધો હતો. તો ઇડર પોલીસે સ્ટેશનમાં PSI એ.આર. જાદવની ફરિયાદ આધારે કાર ચાલક સહિત બે સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇડર પોલીસે ગાંજો ઝડપ્યા બાદ ઝડપાયેલા આરોપીને SOGએ ઇડર કોર્ટમાં 28 મેના રોજ રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 31 મે સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો રાજસ્થાનનો ઝડપાયેલો આરોપી સાતથી આઠ વખત વિસનગર ગાંજો આપી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી SOGએ હવે તપાસનો દોર શરુ કર્યો છે.