પાટણ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
“શહેરોમાં લોકોના મસમોટા પાકા મકાનો જોઈને અમને પણ એમ થતું કે અમારું આવું ઘર ક્યારે બનશે? અમે અમારા વડીલોએ બનાવેલ કાચા મકાનમાં રહેતા હતા. અન્ય વિકસિત કુટુંબોની માફક સારા હવા-ઉજાસવાળા પાકા મકાનમાં રહેવા માટેના અમે પણ સ્વપ્ન સેવતા હતા. એ સમયે મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને ખબર પડી મારું અને મારા પરીવારનું પાકા મકાનમાં રહેવાનું સપનું આ યોજના થકી જ પૂર્ણ થશે. આજે હું મારા પરીવારની સાથે પાકા મકાનમાં રહું છું. અમારા આ સ્વપ્નને કેન્દ્ર અને રાજ્ય સરકારે પરીપૂર્ણ કર્યું તે બદલ સરકાર નો આભાર માન્યો હતો “
પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત કુલ 8,037 આવાસોનું કામ પૂર્ણ થઈ ગયું છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત કુલ 14463 આવાસોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. જેઓને પોતાનું ખુદનું મકાન નથી, જેઓની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે તેવા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારના ગરીબો અને જરૂરીયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) તેમજ (ગ્રામીણ) થકી શહેરી-ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારોના “ઘરના ઘર”નું સ્વપ્ન સાકાર થયું છે.
દરેક પરિવારને ઘરનું ઘર મળે તે માટે સરકાર ની 2015માં “પ્રધાનમંત્રી આવાસ યોજના” (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પણ પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2016 માં “પ્રધાનમંત્રી આવાસ યોજના” (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી નેતૃત્વમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના”ના અમલીકરણમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અગ્રેસર રહ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં મકાન સહાય માટે પ્રથમ હપ્તો રૂપિયા 30000, બીજો હપ્તો 45000, ત્રીજો હપ્તો 55000, ચોથો હપ્તો 100000, પાંચમો હપ્તો 70000 અને મકાન પૂર્ણ થાય ત્યારે 50000 લાભાર્થીના ખાતામાં જમા થાય છે.
પરિવારને પાકી છત મળ્યાનો આનંદ વ્યક્ત કરતા લાભાર્થી રાઠોડ નીરૂબેને જણાવ્યું કે, ‘’અમે વર્ષોથી પાટણમાં રહીએ છીએ. અમારે ઝૂપડા જેવું કાચું મકાન હતું. નગરપાલીકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેના ફોર્મની જાણ થતાં જ અમે ફોર્મ ભર્યું . આજે અમારી પાસે પાકું મકાન છે. આ મકાનમાં અમે સુખ શાંતિથી રહીએ છીએ. અમારા બાળકને સારું શિક્ષણ પણ આપી શકીએ છીએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવેલ અન્ય લાભાર્થી ગીતાબેન ઠાકોર જણાવે છે કે, પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતા. વરસાદની ઋતુમાં પાણીના લીધે અમે ખૂબ જ હેરાન થતાં હતાં, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બહાર પડ્યું તે સમયે અમે એ ફોર્મ ભર્યું જેનાથી અમારું મકાન પાસ થયું અને આજે અમે પણ પાકા મકાનમાં રહી રહ્યા છીએ.
“પ્રધાનમંત્રી આવાસ યોજના” થકી રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધતાથી કાર્ય કરી રહી છે.