- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Ratna Artist’s Three Daughters In Surat Scored More Than 87 Percent Marks And Got A2 Grade, Daughters Said Father’s Name Will Shine
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરતમાં રત્નકલાકારની ત્રણ દીકરીએ 12 સાયન્સમાં ઉચ્ચ પરિણામ હાસલ કર્યું.
ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થયું છે. જો કે, વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે ધાર્યા કરતા પરિણામ ઘણું જ ઓછું આવ્યું છે. ત્યારે 12 સાયન્સના આ પરિણામમાં સુરતની વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સ્કૂલની રત્નકલાકારની ત્રણ વિદ્યાર્થિની 87% થી વધુ ગુણ પ્રાપ્ત કરી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્રણમાંથી બે વિદ્યાર્થિનીના પિતા ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ કરે છે અને માતા સિલાઈ કામ કરી બંને દીકરીઓને ભણાવી હતી.
ત્રણ રત્ન કલાકારની દીકરી ઝળકી
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભવિષ્યની કારકિર્દી બનાવી છે. ત્યારે આજના આ પરિણામમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીએ માતા-પિતાનું નામ રોશન કર્યું છે. પેટે પાટા બાંધી ત્રણેય વિદ્યાર્થીને માતા-પિતા 12 સાયન્સમાં અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ પિતાએ કરેલા પરિશ્રમનું સારું ફળ રિઝલ્ટ રૂપી આપ્યું છે.
પ્રિયાંશી
રત્નકલાકારની દીકરીઓ ઉચ્ચ પરિણામ મેળવ્યું
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી તપોવન સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓના પિતા વરાછામાં ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરીઓએ આજે 12 સાયન્સના પરિણામમાં 87%થી વધુ ગુણ પ્રાપ્ત કરી A2 ગ્રેડ મેળવ્યો છે. પિતાએ દીકરી માટે કરેલ પરિશ્રમનું પરિણામ લાવી બતાવી નામ રોશન કર્યું છે. મારિયા પ્રિયાંશીના પિતા અશ્વિનભાઈ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરે છે.
ડાબેથી નિરાલી વેગડ અને જમણેથી યશ્વી કાકડીયા
સ્કૂલ દ્વારા ફીમાં ઘણી રાહત મળી
આ અંગે પ્રિયાંશીએ જણાવ્યું હતું કે, મારા 12 સાયન્સના આજના પરિણામમાં 88% આવ્યા છે. માતા-પિતા અને સ્કૂલના શિક્ષકોના સહકારથી હું આટલા ટકા લાવી શકી છું. મારા પિતા ડાયમંડ વર્કર છે. માતા ઘરે સિલાઈનું કામ કરે છે. મારા માતા-પિતાનું અને મારું આગળ ડોક્ટર બનવાનું સપનું છે. મારા પિતાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. રાત દિવસ મારી માટે કારખાનામાં કામ કરી છે. ઘણીવાર તો મારા ભણતર માટે રાતના 11-12 વાગે કામ કરીને આવતા હતા. મમ્મી પણ ઘરે મશીન ચલાવીને મારી ફી ભરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. મારા ઘરની પરિસ્થિતિને લઈ સ્કૂલ દ્વારા પણ મને ફીમાં ઘણી રાહત આપવામાં આવી હતી.
ડોકટર બની માતા-પિતાની ઈચ્છા પૂરી કરીશઃ નિરાલી
અન્ય વિદ્યાર્થિની વેગડ નિરાલીએ જણાવ્યું હતું કે, આજના 12 સાયન્સના પરિણામમાં 87.60 ટકા આવ્યા છે અને મને A2 ગ્રેટ પ્રાપ્ત થયો છે. મારા પિતા સંજયભાઈ વેગડ ડાયમંડ વર્કર છે. તે છેલ્લા ઘણા સમયથી ડાયમંડમાં કારીગર તરીકે કામ કરે છે અને મને ભણાવવા પાછળ ખૂબ મહેનત કરી છે. મારા માતા-પિતાની મારા પર ખૂબ જ આશા અપેક્ષા રહેલી છે. તેમની ઈચ્છા છે કે, હું જીવનમાં ખૂબ જ આગળ વધુ. તૈયારી પણ આ પરીક્ષાને લઈ ખૂબ જ કરી હતી અને મમ્મી ઘરે પ્લાસ્ટિકના બેગ બનાવે છે. માતા-પિતા બંને મળીને મને ભણાવવા પાછળ ખૂબ જ ખર્ચો કર્યો છે. હવે આગળ હું સારા પર્સન્ટેજ લાવીને માતા-પિતાને ઓછો ખર્ચો થાય તે પ્રકારે અભ્યાસ કરીશ. આગળ મારે ડોક્ટરી ભણવાની ઈચ્છા છે અને મારા માતા-પિતાની ઈચ્છા પૂરી કરીશ.
મારા પપ્પાએ ભણતર પાછળ ખૂબ જ ખર્ચો કર્યોઃ યશ્વી
વધુ એક વિદ્યાર્થિની યશ્વી કાકડીયાના પિતા પણ ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસી રત્ન કલાકારનું કામ કરે છે. સુરતમાં રત્ન કલાકારની વિદ્યાર્થીનીઓએ આજના પરિણામમાં ખરેખર મેદાન માર્યું છે. યશ્વી કાકડીયાએ જણાવ્યું હતું કે, આજના 12 સાયન્સના પરિણામમાં મારે 89.20 ટકા આવ્યા છે. મારા આ પરિણામનો શ્રેય મારા માતા-પિતા અને સ્કૂલને જાય છે. મારા પિતાએ મને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. આર્થિક સ્થિતિ સારી ના હોવાથી સ્કૂલ દ્વારા મારી ફીમાં પણ રાહત આપવામાં આવી હતી. મારા પિતાને મારી પર ખૂબ જ આશા બંધાયેલી છે. હું જીવનમાં આગળ વધુ તે માટે નબળી પરિસ્થિતિ હોવા છતાં મારા પપ્પા મારા ભણતર પાછળ ખૂબ જ ખર્ચો કરી રહ્યા છે.