સાબરકાંઠામાં વૈશાખી વાયરા વચ્ચે પોશીના પંથકમાં વરસાદ વરસ્યો; બે કલાકમાં 9 મીમી વરસાદ | In Sabarkantha, it rained in Poshi parish between Baisakhi vaira; 9 mm of rain in two hours | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)4 કલાક પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે બપોરના સુમારે કાળઝાળ ગરમી અને વાદળછાયા વાતાવરણથી બેવડી ઋતુનો માહોલ છવાયો છે. શનિવારે પોશીના પંથકના દંત્રાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઉનાળાની મોસમમાં વૈશાખી વાયરા સાથે કમોસમી વરસાદ વરસે છે. જાણે કે વરસાદી માહોલ જામ્યો હોય તેમ અવારનવાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસતા લગ્ન માંડવાઓમાં પણ દોડધામ થઇ જાય છે. કાળઝાળ ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પોશીના પંથકના દંત્રાલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.

બપોરના સુમારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. હાલ તો ઠાકોર, આદિવાસી સહિત અન્ય સમાજમાં લગ્ન સિઝન પુર બહારમાં ચાલી રહી છે. ત્યારે તેવા સમયે વરસાદ વરસતા જાનૈયાઓ વરસતા વરસાદમાં ભીંજાઇને પણ લગ્ન માંડવા સુધી જઇ રહ્યા છે. ધુળની ડમરીઓ સાથે પવન ફુંકાતા લગ્નના માંડવા પણ કેટલીક જગ્યાએ પડી જતા લગ્નના આયોજકોમાં દોડધામ મચી જાય છે. આ અંગે ડિજાસ્ટર વિભાગે જણાવ્યું હતું કે, શનિવારે જિલ્લામાં માત્ર પોશીનામાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન 9 મીમી વરસાદ નોંધાયો હતો.