32 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. કુલ 3437 જગ્યા માટે 8.5 લાખ ઉમેદવારો નોંધાયા હતા. આજે 7 મે 2023ના રોજ યોજાયેલી પરીક્ષાનું જૂન મહિનામાં રિઝલ્ટ આવી જશે તેવી હસમુખ પટેલે જાહેરાત કરી છે.
આજે યોજાયેલી પરીક્ષામાં દૂરના કેન્દ્રો ઉપરાંત લગ્નસરાની સીઝન અને વેકેશનને પગલે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. જેને પગલે તલાટીના પરીક્ષાર્થીઓએ ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર તલાટીના પરીક્ષાર્થીઓની ભીડ જામી હતી.
પરીક્ષાખંડમાં બુટ-ચપ્પલ ઉતારીને જ પ્રવેશ
તલાટી પરીક્ષા પૂર્ણ થયા બાદ IPS હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, મેં ગાંધીનગરમાં કેન્દ્રોની મુલાકાતો લીધી હતી, ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી. બુટ ચપ્પલ કઢાવીને જ પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો હતો. તમામ લોકોએ પરીક્ષાને સામાજીક પ્રસંગ બનાવી દીધો.
પોલીસ, મીડિયા, રિક્ષા યુનિયન, ટ્રાન્સપોર્ટેશન સૌ આગળ આવ્યા
પોલીસ તંત્રએ પણ ખૂબ વ્યવસ્થાઓ કરી હતી. અમદાવાદમાં રિક્ષા ચાલક એકતા યુનિયને પણ હેલ્પલાઈન શરૂ કર્યો હતો. મીડિયાએ પણ ખૂબ જહેમત ઉઠાવી… અમારી તમામ વાતો લોકો સુધી પહોંચાડી છે. એસટી તંત્ર અને રેલવેનો પણ હું આભાર માનુ છું.
પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં જિલ્લા તંત્રની ઉમદા કામગીરી
વેકેશન અને લગ્નગાળાને લઈ ટ્રાફિકની સમસ્યાઓ મળી હતી. મને ફોન આવતા પોલીસ વિભાગને જાણ કરતો હતો. આજે છત્રાલ પાસે ટ્રાફિકની સમસ્યા હતી, જેને પોલીસે દૂર કર્યુ હતુ. પરીક્ષા કેન્દ્રો શોધવા માટે જિલ્લા તંત્રએ ખૂબ મહેનત કરી છે. ઈન્ટેલિજન્સ વિભાગે પણ ખૂબ ઉંડાણથી કામ કર્યુ છે.
પહેલો પ્રયોગ સફળ રહ્યો
આ વખતે સમંતિ પત્રની બાબત નવી અને પ્રથમ વખત હતી. સમંતિ પત્રના લીધે 8 લાખ જેટલા ઉમેદવારો મળ્યા. પંચાયત વિભાગ અને વિદ્યાર્થીઓને રાહ જોવડાવવા નહોતા માગતા જેથી ઝડપી પરીક્ષા લેવાઈ.
મહીસાગરમાં OMR નંબર મેચ ન થયો!
ઉપરાઉપરી 2 પરીક્ષાઓ લેવી સહેલી બાબત નથી. ગામડાઓમાં પણ તલાટીઓની જરૂરીયાત છે. ડમી ઉમેદવાર ન આવે એટલે એન્ટ્રી સમયે આપણે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી છે. મહીસાગરમાં OMR નંબર મેચ ન થવાનો મામલો સામે આવ્યો હતો. આવું કેટલીક જગ્યા પર બનતું હોય છે. SOPમાં આ બાબતની જોગવાઈ છે. આવું બને ત્યારે ઉમેદવારે પોતાનો જ રોલ નંબર લખવાનો હોય છે. આ માટે રોજ કામ પણ કરવામાં આવતું હોય છે અને તેનો રિપોર્ટ પણ અમને મળતો હોય છે. જૂન મહિનામાં પરિણામ આપવાની અમારી નેમ છે.