રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગૌ-ટેક 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 24થી 28મેં વચ્ચે યોજાયેલા આ જાજરમાન પ્રદર્શનનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના કૃષિ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ તકે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ખૂબ સફળ રહ્યું છે. અને ખેડૂતો તેમજ પશુપાલકોનાં હિતમાં આ અભિયાનને આગળ વધારવા તમામ જરૂરી મદદ પુરી પાડવા સરકાર કટિબદ્ધ છે.
લાખો લોકોએ મુલાકાત લીધી
આ તકે કૃષિમંત્રી રાઘવજી પટેલે દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત ગૌ-ટેક 2023નું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 212થી વધુ જુદી-જુદી ગૌઆધારિત વસ્તુઓનાં સ્ટોલ હતા. દેશ-વિદેશના ગૌ-પ્રેમીઓ તેમજ ગૌશાળા અને પાંજરાપોળનાં સંચાલકો સહિત ગાયના વિષયમાં રસ ધરાવતા ઘણા નિષ્ણાંતો સહિતનાં લાખો લોકોએ મુલાકાત લીધી હતી. ગાયના વિષયમાં વિવિધ ચર્ચાઓ અને પરિસંવાદો થયા, અને ખૂબ સારી વસ્તુઓ લોકોને જાણવા મળી છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલ
સાચા અર્થમાં ગાયને માતા તરીકે સાચવશે
વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્રદર્શન દ્વારા ખેડૂતોને પણ ગાયનું મહત્વ સમજાયું છે. ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે છોડી દેવામાં આવે છે. તેના બદલે ગાય આધારિત વિવિધ વસ્તુઓ બને છે તેનો ખેડૂતોને ખ્યાલ આવ્યો છે. જેથી ખેડૂતો વધુ સારી રીતે ગાયનું સારી રીતે ભરણપોષણ કરી સાચા અર્થમાં ગાયને માતા તરીકે સાચવશે. આ પ્રદર્શન બાદ તેનો વધુ પ્રચાર-પ્રસાર થતા દેશના અર્થતંત્રને પણ વેગ મળશે. તો આ એક નવી વાત લોકો સ્વીકારતા થશે. બીજું ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળશે. જોકે આ તકે તેઓ મુખ્યમંત્રીનું નામ ભુપેન્દ્રભાઈ શાહ બોલી ગયા હતા.
ઝીરો બજેટમાં ખેતી થશે
વધુમાં તેમણે જણાવ્યું કે, આ અભિયાન દ્વારા ખેડૂતોને અનેકવિધ ફાયદા થશે. જેમાં એક તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો પ્રાકૃતિક ખેતીમાં વપરાશ થતો જ નહીં હોવાથી ઝીરો બજેટમાં ખેતી થશે. સારું ઉત્પાદન મળશે. અને રાસાયણિક ખાતરોને કારણે જમીન બંજર થતી અટકશે. જંતુનાશક દવાઓ છાંટવાથી પાકને જે નુકસાન થતું હતું. તે પણ ગૌ આધારિત ખેતી દ્વારા રોકી શકાશે. ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા સારી થવાથી લોકોના આરોગ્યને થતું નુકસાન પણ અટકાવી શકાશે. તેમજ પર્યાવરણને ફાયદો થવાની સાથે ખેડૂતોને ઊંચા ભાવ મળશે.
ગૌ-સેવા આયોગનાં ચેરમેન અને આ એક્સપોનાં પ્રણેતા વલ્લભ કથિરિયા
સરકાર તમામ મદદ કરશે
વધુમાં તેમણે જણાવ્યું કે, ગાય આધારિત ખેતીનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થવાને કારણે ખેડૂતો તેનો વધુમાં વધુ અમલ કરતા થશે. જેથી માત્ર ખેડૂતો જ નહીં આપણા અર્થતંત્રને પણ ખૂબ મોટો ફાયદો મળશે. અને દેશમાં ગાય માતાનું મહત્વ ફરીથી સ્થાપિત થશે. કૃષિ અને પશુપાલન મંત્રી તરીકે મને ખુબ આનંદ છે કે, રાજકોટ દ્વારા આ અભિયાનની શરૂઆત થઈ છે. આયોજકોને અભિનંદન આપવાની સાથે મેં તેઓને કહ્યું છે કે, પાંચ દિવસના પરિસંવાદમાં કોઈપણ નિષ્કર્ષ ઉપર આવ્યા હોય અને તેના માટે રાજ્ય સરકારે કોઈ અમલવારી કરવાની હોય તો તેના માટે તમામ જરૂરી પ્રયત્નો કરીશું. અને આ માટે જરૂરી મદદ પુરી પાડવા સરકાર તૈયાર છે.
ખૂબ સારો વેપાર મળ્યો છે
ગૌ-સેવા આયોગનાં ચેરમેન અને આ એક્સપોનાં પ્રણેતા વલ્લભ કથિરિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, છેલ્લા 5 દિવસમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું છે. જે કોઈ સ્ટોલ હોલ્ડર હતા તેને પણ ખૂબ સારો વેપાર મળ્યો છે. જેના આંકડાઓ હજુ આવી રહ્યા છે. ઘણા એમઓયુ થયા છે. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પણ ઘણા જોવા મળ્યા છે. ખાસ કરીને આમારો ઉદ્દેશ હતો કે, ગાય આધારિત વસ્તુઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય, તેમાં ધારેલી સફળતા મળી છે. અને લોકો ગૌ-આધારિત કેટલા ઉદ્યોગો છે તેનાથી સારી રીતે પરિચિત થયા છે.
સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ
કાઉ બેઝ એજ્યુકેશનના MOU થયા
કેટલા લોકોએ મુલાકાત લીધી અને કેટલા એમઓયુ થયા તેના આંકડાઓ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા બાદ એકાદ દિવસમાં જ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને આ એક્સપોમાં રૂપિયાના કોઈ એમઓયુની વાત નથી. પરંતુ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં કેટલાક લોકોએ કંસલ્ટનસીનાં કરાર કર્યા છે. વિદેશની કુલ 25 યુનિવર્સિટી સાથે કાઉ બેઝ એજ્યુકેશન અને કાઉ બેઝ ઇકોનોમી માટેના એમઓયુ થયા છે. આ એક્સપો દ્વારા માત્ર ખેડૂતો અને પશુપાલકોને નહીં યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગકારોને પણ મોટો લાભ મળ્યો છે. આ કારણે અનેક નવા સ્ટાર્ટઅપને વેગ મળશે અને અનેક લોકોને રોજગારી મળશે. યુવાનોને રોજગારી, મહિલાઓનું સ્વાવલંબન અને અનેકવિધ રિસર્ચ સહિતના લાભો આ પ્રદર્શન દ્વારા થયા હોવાનો દાવો તેમણે કર્યો હતો.
ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે
સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પીએમ મોદીએ વડાપ્રધાન બનતાની સાથે જ ખેડૂતો, પશુપાલકો અને ગૌપાલકો આર્થિક સમૃદ્ધ બને તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. તેમના આ સ્વપ્નને ગૌટેક એક્સપો દ્વારા સાકાર કરવામાં આવ્યું છે. આ એક્સપોને કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા જરૂરી તમામ મદદ પુરી પાડવામાં આવી છે. અને ભગવાન કૃષ્ણને પણ ગાયો ખૂબ જ પ્રિય હતી. આ એક્સપો દ્વારા લોકોને ગાયનું મહત્વ સારી રીતે સમજાયું છે. દેશની મોટાભાગની પ્રજા ગામડામાં વસે છે. ત્યારે આવા પ્રદર્શનોથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવામાં મોટી મદદ મળશે. જેને લઈને દેશનો વિકાસ પણ વધારી શકાશે.