- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Over 200 Children Forced To Study At 40 Degrees In AMC Schools, National Child Commission Issues Notice; Directed To Submit Report Within 20 Days
અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક
શહેરના પૂર્વ વિસ્તાર નવા નરોડામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલની બહાર સ્માર્ટ સ્કૂલનું બોર્ડ તો લગાવવામાં આવ્યું છે, પરંતુ અંદર સ્થિતિ તદ્દન અલગ છે. એક ખંડેર બિલ્ડિંગમાં 200થી વધુ બાળકો 40 ડીગ્રી કાળઝાળ ગરીમીમાં ભણવા મજબૂર બન્યાં છે. રૂમોમાં કોઈ પંખો નથી, લાઇટ નથી, બાળકોને બેસવાની પુરી વ્યવસ્થા નથી. જેને લઇને બાળકોના બાંધારણી અને મૂળભૂત માનવ અધિકારોનો ભંગ થતો હોવાને લઇને અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે બાળકોના અધિકારોના રક્ષણ માટે નવી દિલ્હી રાષ્ટ્રીય બાળ આયોગમાં ઇ-મેઇલથી પિટિશન દાખલ કરી હતી. જેને લઇને બાળ આયોગે આ મામલાને ગંભીરતાથી લઇને અમદાવાદ જિલ્લા કલેક્ટરને નોટિસ ફટાકરી છે અને 20 દિવસમાં આ મામલે અહેવાલ રજૂ કરવા નિર્દેશ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, 29 એપ્રિલ 2023ના રોજ દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલોને લઇને એક ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દિવ્ય ભાસ્કરની ટીમ સ્કૂલે પહોંચી ખુલ્લામાં ભણતાં બાળકોની સ્થિતિ જાણી હતી.
નવું બિલ્ડિંગ બનાવવા 3 વર્ષથી રાહ જોવાઈ છે
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી પાર્શ્વનાથ ટાઉનશિપમાં નવા નરોડા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આ પ્રાથમિક સ્કૂલ એટલી ખંડેર હાલતમાં છે કે ત્યાં નીચે ઉભા રહેવું પણ જીવના જોખમ સમાન છે. જર્જરિત હાલતના બિલ્ડિંગની બાજુના ખાલી કમ્પાઉન્ડમાં બાળકોને ખુલ્લામાં ભણાવે છે. સ્કૂલની અંદર હિન્દી મીડિયમનું બિલ્ડિંગ તૈયાર થયું છે, પરંતુ ગુજરાતી મીડિયમનું બિલ્ડિંગ તૈયાર કરવા છેલ્લા 3 વર્ષથી માત્ર રાહ જોવાઇ રહી છે. બજેટમાં ફાળવણી કર્યા છતાં કોઈ કારણસર નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવતું નથી.
સ્કૂલની બહાર સ્માર્ટ સ્કૂલનું બોર્ડ ને અંદર ખંડેર હાલત.
દિવ્ય ભાસ્કરની ટીમે શું નિહાળ્યું?
દિવ્ય ભાસ્કર જ્યારે સ્કૂલમાં પ્રવેશ્યું ત્યારે સ્કૂલમાં કેટલાક બાળકો મેદાનમાં દોડી રહ્યાં હતાં. કેટલાક બેઠા હતા. સ્કૂલમાં પ્રવેશતા સામે જ એક પતરાંનો શેડ હતો. જ્યારે રિસેસ પૂરી થતા બાળકોને બેસાડવામાં આવ્યા હતા. 10:30 વાગ્યાનો સમય હોવાથી ગરમી ધીમે ધીમે માથે ચઢી રહી હતી. 40 ડીગ્રી જેટલા તાપમાનમાં બાળકો ખુલ્લામાં બેસીને ભણી રહ્યા હતા. ના કોઈ પંખો કે ના કોઈ લાઈટ બસ, સ્કૂલના શિક્ષકની સૂચના પર જ ધ્યાન આપીને બાળકો બેઠાં હતાં.
પતરાંના શેડ નીચે બેસી બાળકો ભણવા મજબૂર.
અગાઉ પણ જિલ્લા પંચાયતે ધ્યાન ન આપ્યું
બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ ન કરી શકે તે માટે માતા-પિતા મ્યુનિ. સ્કૂલમાં ભણાવવા મૂકે છે. ત્યારે મ્યુનિ. સ્કૂલમાં તો સ્થિતિ સાવ ખરાબ જોવા મળી હતી. અગાઉ પણ જિલ્લા પંચાયતે ધ્યાન ન આપ્યું, હવે કોર્પોરેશન દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જેનું પરિણામ બાળકોએ જ ભોગવવું પડી રહ્યું છે. આ સ્કૂલની પાછળ આંગણવાડી પણ છે, જે માટે જર્જરિત બિલ્ડિંગમાંથી જ એન્ટ્રી લેવાની હોય છે, જે જોખમી છે. આ જર્જરિત બિલ્ડિંગમાં મતદાનની કામગીરી પણ કરવાના આવી હતી.
સ્કૂલનું બિલ્ડિંગ ખખડધજ હાલતમાં.
કોઈ કારણસર સ્કૂલ ઊભી કરવામાં આવી નથી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષે પણ આ સ્કૂલ માટે બજેટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર સ્કૂલ ઉભી કરવામાં આવી નથી. આ વર્ષે પણ આ સ્કૂલ માટે બજેટ ફાળવણી કરવામાં આવી છે. સ્કૂલમાં રહેલ જોખમ અંગે તંત્રને સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ જાણ કરી છે. છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. પદાધિકારીઓ અને અધિકારીઓ મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ કામ કોઈ કરતું જ નથી.
તડકો પડે અને પતરાં તપે છે.
સ્ટેન્ડિંગ કમિટીએ કરોડનું ખાસ બજેટ ફાળવ્યું છે
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી દેસાઈએ જણાવ્યું હતું કે, આ સ્કૂલ અગાઉ જિલ્લા પંચાયત હસ્તક હતી. અમને 2020માં સોંપવામાં આવી છે. સ્કૂલ સોંપ્યા બાદ અમે 1 કરોડના ખર્ચે સ્કૂલમાં હિન્દી મીડિયમનું બિલ્ડિંગ બનાવ્યું છે. ગુજરાતી મિડિયમના બિલ્ડિંગ માટે બજેટમાં આ વર્ષે જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 3 કરોડનું ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાંથી સ્કૂલને તૈયાર કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી ચાલે છે, આગામી 1 વર્ષમાં સ્કૂલ તૈયાર થશે. ગત અઠવાડિયે જ અધિકારીઓની આ મામલે બેઠક મળી હતી. આ ઉપરાંત સ્કૂલના રિનોવેશન માટે ચૂંટણીપંચની પણ મંજૂરી જરૂરી છે. કારણ કે, મતદાન મથકમાં પણ સ્કૂલ હતી.
સ્કૂલના જૂના બિલ્ડિંગમાં માત્ર 2 રૂમ છે
નવા નરોડાની આ સ્કૂલમાં રોજ બાળકો નિયમિત સ્કૂલ આવે છે. સ્કૂલનાં મોટા ભાગનાં બાળકો ગરીબ પરિવારમાંથી ભણવા આવે છે. આ ગરીબ બાળકો છેલ્લા 3 વર્ષથી પાકા મકાન વિના ચારેય તરફથી ખુલ્લા વર્ગ એટલે કે સ્કૂલના ગ્રાઉન્ડમાં બેસીને ભણે છે. બાજુમાં હિન્દી મિડિયમનું બિલ્ડિંગ હોવાથી ત્યાં ધોરણ 1થી 3ના બાળકોને બેસાડવામાં આવે છે તથા સ્કૂલના જૂના બિલ્ડિંગમાં માત્ર 2 રૂમ છે. જેમાં એક રૂમમાં ઓફિસ અને બીજા રૂમમાં પણ એક વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્ય પણ કોઈ સૂચના હોય તો બહાર આવીને જ જણાવે છે.