રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ મહાપાલિકા દ્વારા કેકેવી ચોકમાં રહેલા હયાત બ્રિજ ઉપર બની રહેલા મલ્ટીલેવલ બ્રિજનું કામ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ કામ જૂનમાં માંડ પુરૂ થાય એમ છે, જેથી મ્યુ. કમિશ્નરે અધિકારીઓની હાજરીમાં એજન્સી સાથે બેઠક કરી હતી. તે બાદ ધીમીગતિ અને તારીખ પે તારીખના કારણે ફરી નોટીસ અપાઈ હતી. જો કે, ઢીલ બદલ એજન્સીને કોઈ પેનલ્ટી નહીં લગાવવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. એજન્સી દ્વારા બ્રિજ નિર્માણ કાર્ય વિલંબમાં થવા બદલ મટિરિયલના ભાવમાં વધારા સહિતનાં કારણો દ્વારા લુલો બચાવ કરાયો હતો. જો કે, આવા કારણો બદલ અત્યાર સુધીમાં કોન્ટ્રાકટર એજન્સીને અલગ-અલગ પ્રકારની અર્ધો ડઝન નોટીસ અપાયાનું ઇજનેરોએ જણાવ્યું છે.
આ પ્રોજેકટ સૌથી મોટો પડકાર ભર્યો રહ્યો
રાજકોટમાં અત્યાર સુધીમાં બનેલા તમામ બ્રિજમાં આ પ્રોજેકટ સૌથી મોટો પડકાર ભર્યો રહ્યો છે. કોરોના કાળમાં અન્ય પ્રોજેકટની જેમ આ બ્રિજનું કામ પણ ધીમુ પડી ગયું હતું. કુદરતી સંજોગોના કારણે સરકાર અને મનપાએ આવા અનેક પ્રોજેકટમાં મુદત વધારો આપ્યો છે. આમ છતાં આ બ્રિજનું કામ નવી નવી મુદ્દતે પણ પૂર્ણ થયું નથી. સૌ પહેલા જાન્યુઆરી-2023, તે બાદ માર્ચ, એપ્રિલ અને એ બાદ ગુજરાત સ્થાપના દિન 1 મે આસપાસ બ્રિજનું કામ પુરૂ થઇ જશે, તેવી ધારણા સાથે ઉદઘાટનની તારીખો પણ વિચારવામાં આવી હતી. પરંતુ મજૂરો નહીં હોવાથી માંડી રોડ પર રહેલી ભૂગર્ભ લાઇનો શીફટ કરવા સહિતના બહાના હેઠળ કામ લંબાતું જાય છે.
કંપનીને ફરી મનપા દ્વારા ઝડપી કામ માટે નોટિસ
બીજીતરફ લાંબા સમયથી રોજ હજારો વાહન ચાલકો સર્વિસ રોડ સહિતના ભાગમાં હેરાન થઇ રહ્યા છે. હવે એક તરફનું સર્વિસ રોડનું કામ પુરૂ થવા આવ્યું છે. વાહન ચાલકોને થોડી રાહત આપવા પહેલા સર્વિસ રોડના કામ પૂર્ણ કરવા સૂચનાઓ અપાઇ છે. દરમ્યાન મ્યુ. કમિશ્નર આનંદ પટેલે પણ આ બ્રીજ પ્રોજેકટનો રિવ્યુ કર્યો છે. ઇજનેરોની હાજરીમાં કોન્ટ્રાકટર કંપની રણજીત બિલ્ડકોનના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. જેમાં હાલ ત્રણ સ્લેબનું કામ બાકી હોવાને લઇ હજૂ 15 જુન પહેલા કામ પૂર્ણ નહીં થાય તેવું એજન્સી દ્વારા જણાવાયું છે. આથી આ કંપનીને ફરી મનપા દ્વારા ઝડપી કામ માટે નોટિસ આપવામાં આવી છે.