રાજકોટ38 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આગામી તા. 1 અને 2જૂનનાં આયોજન કરાયું છે. જોકે, રાજકોટનો આ કાર્યક્રમ નક્કી થયો છે. ત્યારથી વિજ્ઞાન જાથા દ્વારા બાબાના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પણ બાબા બાગેશ્વર ધામના કાર્યક્રમનો વિરોધ કરવા માટે વિજ્ઞાન જાથા દ્વારા અલગ-અલગ કાર્યક્રમો નક્કી કરાયા હતા. જોકે, હવે આવતીકાલે યોજાનાર રેલી સહિતના કાર્યક્રમોની મંજૂરી રદ્દ થતા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાશે નહીં.
બાગેશ્વર ધામ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત
પ્રાપ્ત વિગત મુજબ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1 અને 2 જૂને દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથા સખત વિરોધ કરી રહ્યું છે. આ માટે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેની ટીમ દ્વારા 30 મેના વિરોધ પ્રદર્શન માટે રેલી યોજવાની હતી. આ રેલીમાં બાગેશ્વર ધામના પીઠાધીશ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવનાર હતો. ઉપરાંત પહેલી જૂને પણ વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવાના હતા. વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમો માટે વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટ પોલીસ પાસે મંજૂરી પણ માગવામાં આવી હતી.

રેલીને મંજૂરી આપવામાં આવી નથી
જોકે, રાજકોટ પોલીસ દ્વારા 30 મેના દિવસે બાગેશ્વર ધામના વિરોધમાં નીકળનારી રેલીને મંજૂરી આપવામાં આવી નથી. આ મંજૂરી ન આપવા પાછળનું કારણ પોલીસ દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ રેલી જે વિસ્તારમાંથી નીકળવાની છે ત્યાં ટ્રાફિક વધુ છે અને આ રેલીના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બની શકે તેમ છે, માટે આ રેલીને મંજૂરી આપવામાં આવતી નથી. આ સાથે જ 1 જૂનના દિવસે ધરણા માટે મંજૂરી માંગવામાં આવી હતી. જોકે, રાજકોટ પોલીસ દ્વારા આ ધરણા માટેની મંજૂરી પણ 50થી વધુ લોકો એકત્ર થાય તેવી શક્યતા હોવાનું કારણ આપી કાયદો-વ્યવસ્થા ખોરવાય તેવું કારણ આપી રદ્દ કરવામાં આવી છે.