રાજકોટ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવાય રહ્યો છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડ દ્વારા રાજકોટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપીને ATSની ટીમે રાજકોટ જિલ્લાના ન્યારા ગામ નજીક દરોડા પાડીને રૂ. 214 કરોડની કિંમતનો 31 કિલો હેરોઈનને જપ્ત કર્યો છે.
દિલ્હી તરફ સપ્લાય થવાનું હતું
ATS પીઆઇ જે. એન. ચાવડાના કહેવા અનુસાર, દરિયા સીપ સિવાય સૌરાષ્ટ્ર કચ્છમાંથી આટલો મોટો હેરોઇન જથ્થો સૌથી પહેલીવાર ઝડપાયો જે ATS માટે ખુબ મહત્વનું છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું છે અને પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે કચ્છ અને કચ્છથી રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકામાં પહોંચ્યું હતું. આ ડ્રગ્સ અહીંથી દિલ્હી તરફ સપ્લાય કરવામાં આવવાનું હતું.
પાકિસ્તાનીઓ વતી કામ કરતો હતો
ATSના અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રગ્સનો જથ્થો ન્યારા ગામની બાજુમાં એક અવાવરૂ જગ્યાએ પડ્યો હતો અને જે નાઇજીરિયનની અટકાયત કરવામાં આવી છે તે પાકિસ્તાનીઓ તરફથી ભારતમાં સપ્લાય કરતો હતો. હાલ અમે તેને રાજકોટથી અમદાવાદ લઇને આવી રહ્યા છીએ.
નાઇજીરિયન શખ્સ ઝડપાયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી ખાતેથી નાઇજીરિયન શખ્સ ઇકવું નાઈફ મર્સીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમ્યાન એવું સામે આવ્યું હતું કે, પાકિસ્તાનથી 31 કિલો હેરોઇનના જથ્થાની રાજકોટ ખાતે હેરાફેરી કરવામાં આવી છે. અને તેને દિલ્હી ખાતે નાઈઝીરીયન આરોપી ઇકવુને પહોંચાડવાનો છે.
214 કરોડનું હેરોઇન જપ્ત
આ મામલાએ પોલીસે તેની આકરી પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, કુલ રૂપિયા 214 કરોડનો 31 કિલો હેરોઇનનો જથ્થો રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકામાં આવેલ ન્યારા ગામમાં છુપાયેલો છે. જેને પગલે ગત ગુરુવારની રાત્રે ATSની ટીમ રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં પહોંચી હતી અને આરોપીએ જણાવેલ ન્યારા ગામમાંથી રૂપિયા 214 કરોડની કિંમતના કુલ 31 કિલો હિરોઈનના જથ્થાને જપ્ત કર્યો હતો.
તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
પોલીસ તપાસમાં એ સાબિત થયું હતું કે, આ મુદ્દામાલ પાકિસ્તાનથી રાજકોટ આવ્યો હતો અને તેને દિલ્હી પહોંચાડવાનો હતો પરંતુ એ પહેલા જ ATSની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેના દ્વારા આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ તમામ મુદ્દામાલ રિકવર કર્યા બાદ ATSની ટીમ આરોપીને લઈને અમદાવાદ જવા રવાના થઈ છે. નોંધનીય છે કે નાઈઝીરીયન આરોપી ઇકવુંના NDPS કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવતા 24 મે સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. હજુ આ મામલે બીજા નામો ખુલવાની પણ શક્યતા ચર્ચાઈ રહી છે.