પંચમહાલ (ગોધરા)9 કલાક પહેલા
- કૉપી લિંક
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે મેસરી નદીની ધસમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા શહેરના કાલુશા કબ્રસ્તાનની પાછળ આવેલા મેસરી નદીની ધસમાં કેટલાક ઈસમો ભેગા મળીને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગત 27 તારીખે રાત્રીના સાડા ત્રણ વાગ્યાના સુમારે છાપો માર્યો હતો. પોલીસે ગોળ કુંડાળું કરીને જુગાર રમતા સાત જેટલા ઇસમોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઇસમોની અંગજડતી કરતા તેઓ પાસેથી રોકડ રૂ. 8840 મળી આવ્યા હતા. દાવ પરથી રૂ. 6450 મળી આવ્યા હતા. પકડાયેલા ઇસમોના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ રહીમ હકીમ શેખ, રફીક યુસુફ મલેક, આસિફ અબ્દુલ હમીદ શેખ, વસીમ હબીબ રહેમાન શેખ, ઉસ્માન ચાંદ ધોબી, હિતેશર શાંતિલાલ પંચાલ અને મજીદ અબ્દુલ હકીમ શેખ જણાવ્યા હતા. પોલીસે કુલ રોકડ રૂ. 15,290નો મુદ્દામાલ કબજે લઈને તમામ ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધ્યો હતો.
ગોધરા શહેરના ભગવતનગર સોસાયટીમાં ઘરઆંગણે પાર્ક કરેલી ઇકો કારની અજાણ્યા તસ્કરોએ લોક તોડીને ઉઠાંતરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના પ્રભા રોડ પર આવેલી ભગવતનગર સોસાયટીમાં રહેતા ગુરુમુખદાસ વિસનદાસ ઠક્કરે ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પાસે મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર હતી. જે કાર તેઓ પોતાના ઘરઆંગણે લોક કરીને પાર્ક કરતા હતા. જે મુજબ ગત 21 તારીખે પણ રાત્રીના સમયે પોતાની કાર પાર્ક કરી હતી. ત્યારે રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ કારનું લોક તોડીને કારની ઉઠાંતરી કરી લઇ ગયા હતા. ત્યારે સમગ્ર ચોરીની ઘટના અંગે ગોધરા શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલી મોહમ્મદી સોસાયટીમાં પત્નીને દહેજ માટે શારીરિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા શહેરના એક વિસ્તારમાં રહેતા પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના લગ્ન સને 2017માં વેજલપુર રોડ પર આવેલી મોહમ્મદી સોસાયટીમાં રહેતા ફેસલ ઇસ્હાક છુંગા સાથે થયા હતા. લગ્ન થયાના પાંચેક માસ સુધી તેઓના પતિએ પરિણીતા સાથે સારું રાખ્યું હતું. ત્યારબાદ તેઓના પતિ ફેસલ ઇસ્હાક છુંગા, સાસુ તાહેરા ઇસ્હાક છુંગા અને સસરા ઇસ્હાક અબ્દુલ રહીમ છુંગાએ પરિણીતાને અવારનવાર મહેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, તું તારા પિતાના ઘરેથી બહુ જ ઓછું દહેજ લાવી છે. તું તારા પિતાના ઘરેથી ફ્રીઝ અને કૂલર લઈ આવ તેમ જણાવ્યું હતું. તેમજ તેઓના પતિએ પરિણીતા સાથે ઘરની પણ માંગણી કરી અવારનવાર ઝઘડો કરીને માનસિક ત્રાસ આપ્યો હતો. વધુમાં ગત 30 તારીખે પરિણીતાને બાળકો સાથે રાત્રીના સમયે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારે આખરે પરિણીતાએ કંટાળી ગોધરા મહિલા પોલીસમથકે સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.