કચ્છ (ભુજ )43 મિનિટ પહેલા
- કૉપી લિંક

મૂળ બનાસકાંઠાના અને હાલ ભુજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના પદે મામલતદાર તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય હૈદરખાન નાગોરીનું ગઈકાલે પાલનપુર ખાતે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું હતું. સદ્દગત વતન પાલનપુરમાં નાયબ મામલતદારની ફરજ દરમિયાન સારી કામગીરીના પગલે બઢતી પ્રાપ્ત કરી છેલ્લા સાત માસથી ભુજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રજા ગાળી ગઈકાલે પાલનપુરથી પરત ભુજ આવે તે પહેલાજ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. હતભાગી દોઢ વર્ષ બાદ વય નિવૃત્ત થવાના હોવાનું તેમના નજીકના વર્તુળ પાસેથી જાણવા મળ્યું હતું. તેમના નિધનથી પરિવાર સાથે ભુજ અને પાલનપુર વહીવટી તંત્રમાં શોકની લાગણી ફેંકાઈ છે. સદ્દગત નિખાલસ અને મળતાવડા સ્વભાવના હતા.
આ વિશે જાણવા મળેલી વિગતો મુજબ ગત વર્ષના ઓક્ટોમ્બર માસથી ભુજ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર તરીકે બઢતી સાથે ફરજ નિભાવતા હૈદરખાંન નાગોરી શનિ-રવિવારની રજા હોઈ વતન પાલનપુર ગયા હતા. જ્યાં ગઈકાલે ગાગોદર પાસે ટ્રાફિકજામના કારણે ભૂજ તરફનો ધોરીમાર્ગ બંધ હોઈ સદ્દગત રેલ માર્ગે આવવા રાત્રિના 2 વાગ્યે ઘરેથી રીક્ષા મારફતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પાલનપુરથી રાત્રે 2.30 વાગ્યાની ટ્રેનમાં બેસે ત પહેલાજ તેમને છાતીમાં ગભરામણ શરૂ થતાં તેઓએ પ્રવાસ ટાળી પરત ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા પરિજનોએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાજ તેમનું અવસાન થયું હતું. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મૂળ પાલનપુર તાલુકાના બઉં ગામના વતની છે. તેમના નિધનના પગલે ભુજ મામલતદાર કચેરીએ કર્મચારીઓએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.