અમદાવાદ9 કલાક પહેલા
- કૉપી લિંક
જૂનાગઢની એક યુવતી ભુવાના સંપર્કમાં આવ્યા બાદ તેને પ્રેમ કરવા લાગી. પરણીત ભુવા સાથે લિવિંગમાં રહેતી યુવતીને કંઇ ભાન ન રહ્યું. ભુવાએ યુવતીનું કાશળ કાઢવા સાથીદારો સાથે પ્લાન ઘડ્યો. પ્લાનમાં યુવતીને પહેલા જૂનાગઢથી અમદાવાદ મિત્રના ઘરે લાવવાની હતી અને ત્યાંથી તેને મુંબઇ લઇ જવાની હતી. જો કે, હકીકતમાં ભુવાજીના મિત્ર મીતની માતાને મુંબઇ મોકલવામાં આવી હતી. કારણ કે યુવતીની હત્યા તો ચોટીલામાં જ થઇ ગઇ હતી અને કોઇને કશું ખબર ના પડે તે માટે ભુવાજી અને તેનો મિત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભુવાજીએ પોલીસને કહ્યું મારી મિત્ર મને છોડીને જતી રહી છે એટલામાં ભુવાજીના મોબાઇલ પર મેસેજ આવે છે. જેમાં યુવતી કહે છે કે, હું હવે તારાથી દૂર જઈ રહી છું મને શોધવાનો પ્રયાસ ન કરતો. આ મેસેજ પણ પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જ આવે છે એટલે તેઓ એવું સાબિત કરવા માગતા હતા કે, યુવતી તેને છોડીને જતી રહી છે. પરંતુ યુવતી તો પહેલાથી જ મરી ગઇ હતી. હવે આ સમગ્ર મામલાનો ભેદ ઝોન સેવન ડીસીપી અને તેમની ટીમે ઉકેલી નાખ્યો છે.
હત્યાના મૂળ અમદાવાદમાં નખાયા
કોઇ વેબ સીરિઝની મર્ડર મિસ્ત્રી હોય તેવી હત્યા અને હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનું સામે આવે છે અને તે બનાવ બન્યો જૂનાગઢમાં પણ તેના મૂળ અમદાવાદના પાલડી વિસ્તારમાં નખાયું હતું. સમગ્ર ઘટનામાં એક બાદ એક નવા રાઝ ખુલ્યા અને આઠ લોકો જેમાં એક મહિલા પણ સામેલ છે. તે તમામ ભેગા થઇને એક માસુમ યુવતીની હત્યા કરી તેની કોઇને ખબર ન પડે તે માટે આખું ષડયંત્ર રચી નાખે છે. આ સમગ્ર મામલે પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે.
મૃતક ધારા અને સૂરજ સોલંકી
ધારા ભુવાજીના સંપર્કમાં આવી
આ સમગ્ર ઘટના એવી છે કે, જૂનાગઢની ધારા કડીયાર પોતે દરેક બાબતમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી હતી. તેનો એક ભાઇ જૂનાગઢમાં જ રહેતો હતો. ધારા સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજીના સંપર્કમાં આવી હતી. ભુવાજી જેટલો સાતીર કોઇ બીજો વ્યક્તિ હોય ન શકે તે તેના આખા રેકેટ પરથી પોલીસ સામે આવ્યું છે. ભુવાજી પોતે પરણીત હતો અને બે બાળકોનો પિતા પણ હતો. ભુવાજી હોવાના કારણે તેના પર કોઇ શંકા કરતું નહીં અને તે યુવતી સાથે સંબંધ બનાવી લેતો હતો.
ભુવાજીએ કાર ઉભી રખાવી કહ્યું હું થોડીવારમાં આવું છું
ધારા અને સૂરજ લિવિંગમાં રહેતા હતા. સૂરજ તેના પરિવારને મળવા જાય તે ધારાને પસંદ ન હતું. જેને લઇને ધારા અને સૂજર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને ધારાએ સૂરજ સામે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે હાલ કોર્ટમાં પ્રોસેસમાં હતી. બીજી તરફ સૂરજ ધારાથી છૂટવા માંગતો હતો. પરંતુ હવે કરવું શું તે તેને ખબર ન હતી. એટલે તેણે તેના અનુયાયીઓને પોતાની સાથે લીધા અને તેના કહ્યા પ્રમાણે તેઓ કરતા રહ્યા. જેમાં એક નિર્દોષ યુવતી એટલે કે ધારાને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા. જોકે, તે પહેલા જ ચોટીલા પાસે વટાવલ ગામની સીમામાં તેઓએ કાર ઉભી રાખી હતી. જ્યાં ભુવાજીએ કહ્યું કે, હું થોડીવારમાં આવું છું મારે પૈસાની જરૂર છે. જોકે, તે સમયે કારમાં ધારા સાથે મીત હાજર હતો.
સૂરજ ધારાનું ગળું દબાવી હત્યા કરી
મીત મૂળ અમદાવાદનો છે. તે ધારા સાથે કારમાં બેઠો હતો તે દરમિયાન સૂરજ ભુવાજી અને તેના ભાઇઓ ત્યાં આવે છે અને ધારા સાથે ઝઘડો કરે છે. થોડીવારમાં ઝઘડો ખૂબ જ વધી જાય છે અને સૂરજ ધારાનું ગળું દબાવી મારી નાખે છે. ત્યારે સૂરજ અને તેની સાથે અન્ય લોકો ભેગા મળીને ધારાની લાશને પેટ્રોલ અને લાકડાથી સળગાવી નાખે છે. ત્યારબાદ તેઓમાંથી એક વ્યક્તિ મૃતક ધારાના કપડા પહેરી અમદાવાદ આવે છે. એટલે કોઇને અમ ના લાગે કે ભુવાજી જોડે ધારા અમદાવાદ આવી ન હતી. હવે આ સાબિત કરવા માટે મીત અને ભુવાજીએ પ્લાન ઘડ્યો.
સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી
મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇ પહોંચી
જોકે, અમદાવાદ આવ્યા બાદ ભુવાજીના મિત્ર મીતે તેની માતાને પણ પ્લાનમાં સામેલ કરી. મીતે ઘરે આવીને તેની માતાને કહે છે કે અમે ધારાને મારી નાખી છે અને હવે તારે ધારાના કપડા પહેરી અંહીયાથી બોમ્બે તરફ જવાનું છે એટલે મીત અને સૂરજ બંને તે રાત્રે હોટલમાં રોકાયા હતા. બીજી તરફ સવારે ધારાના કપડા પહેરી મીતની માતા ઘરેથી નીકળે છે એટલે લોકોને એવું લાગે કે ધારા સવાર સવારમાં સૂરજને છોડીને ક્યાંક જતી રહી છે. આ સમયે ધારાનો મોબાઇલ પોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇના વસઇ પહોંચે છે. જ્યાં ધારાનો મોબાઇલ સ્વિચ ઓન કરવામાં આવે છે.
‘તું મને શોધતો નહીં હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું’
આ તરફ ભુવાજીને સૂચના મળતા તેઓ પ્લાન પ્રમાણે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પાલડી પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને જણાવે છે કે ધારા ક્યાંક જતી રહી છે. અમે તેને શોધી રહ્યા છીએ. અમારે આ સંદર્ભે અરજી આપવી છે. એટલામાં પ્લાન પ્રમાણે ભુવાજીના ફોનમાં એક મેસેજ આવે છે. જે ધારના ફોનમાંથી કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હોય છે કે, સૂરજ હવે તું મને શોધતો નહીં હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું અને આ મેસેજ ભુવાજી અને મીત પાલડી પોલીસ સ્ટેશનના પોલીસને બતાવે છે એટલે તે સમયે પોલીસે આ વાતને કદાચ માની લીધી હોય તેવું શક્ય છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં જે ચાલી રહ્યું હતું. તે પહેલા તો ધારાની હત્યા થઇ ગઇ હતી અને તેની લાશનો નિકાલ પણ થઇ ગયો હતો.
ધારા ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવાઇ
તો બીજી તરફ ધારાના મોબાઇલ ફોન પર તેનો ભાઇ સતત ફોન કરતો હતો પણ ધારાનો ફોન નોટ રીચેબલ આવતો હતો. એટલે સૂરજ ઉર્ફે ભુવાજીએ ધારાના ભાઇને એક દિવસ ફોન કરીને કહ્યું હતું કે, ધારા ગુમ થઇ ગઇ છે અને અમે તેની જાણ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. આ વાતની જાણ થતા ધારાનો ભાઇ અમદાવાદ આવી પહોંચે છે અને ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશન પહોંચી ધારા વિશે પૂછપરછ કરે છે. પરંતુ કોઇ કડી કે કોઇ ક્લુ ના મળતા ધારા ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવામાં આવે છે.
યુવતીને મોતને ઘાટ ઉતારવાના ષડયંત્રમાં સામેલ તમામ આરોપી
પોલીસ તમામની કડક પૂછપરછ કરી
જો કે, આ ઘટનાને એક વર્ષ થયા બાદ હવે ફરીથી ધારાનો ભાઇ તેને શોધવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં વધુ એક અરજી કરે છે. આ વખતે ઝોન સેવેન ડીસીપી બીયુ જાડેજા તેમની ટીમને સૂચના આપે છે કે, ખરેખર ધારાની દરેક કડી શોધવાનો પ્રયાસ કરો. આ સમયે પોલીસ ધારાના મોબાઇલ ફોનના લોકેશન અને તે ગુમ થઇ હતી ત્યારની કોલ ડિટેઇલ સહિતની વિગતો જાણવાનો પ્રયાસ કરે છે. ત્યારે આરોપીઓ સાથે તેનું કનેક્શન મળતા પોલીસ તમામની અટકાયત કરી કડક પૂછપરછ કરે છે. આ દરમિયાન પોલીસ સામે આવ્યું હતું કે, તમામ લોકોએ ભુવાજીના કહેવા પર આ તરકટ રચ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં હાલ પાલડી પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે આગળની તપાસ માટે તમામ કાગળ જૂનાગઢ મોકલવામાં આવશે.
આરોપીઓ ડાબેથી જમણે
1) ગુંજન જોશી (સફેદ શર્ટ)
2) સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી (વાદળી શર્ટ)
3) મુકેશ સોલંકી (પીળી ટીશર્ટ)
4) યુવરાજ સોલંકી ભુવાજીનો ભાઈ (કાળી ટીશર્ટ)
5) સંજય સોહેલિયા (ક્રીમ ટીશર્ટ) મહિલાનો વેશ ધારણ કરનાર
6) જુગલ શાહ (મરૂન શર્ટ)
7) મીત શાહ (કાળી ટીશર્ટ)
યુવતીનો ફોન મુંબઇ લઇ જનાર
8) મોના શાહ (લાઇનિંગ કુર્તો) મીતની માતા